કોવિડ ટેસ્ટીંગની પ્રતિક તસવીર

યુકેના રેગ્યુલેટરે ઇંગ્લેન્ડમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓના માસ ડેઇલી ટેસ્ટની મંજૂરી આપવા ઇનકાર કર્યા પછી વડાપ્રધાન બોરિસ જોન્સનની દર અઠવાડિયે લાખો સ્કૂલના બાળકોનો કોરોનાવાયરસ ટેસ્ટ કરવાની યોજના પર પાણી ફરી વળ્યું છે.

મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)એ તા. 13ને  મંગળવારે સરકારને જણાવ્યું હતું કે 30 મિનિટના આ ટેસ્ટનું જો નકારાત્મક પરિણામ આવે તો તે લોકોને ખોટુ આશ્વાસન આપે છે જેને કારણે તેનો દૈનિક ધોરણે ઉપયોગ કરવાની સત્તા નથી. મિનીસ્ટર્સે વારંવાર કહ્યું છે કે બાળકોને શિક્ષણમાં રાખવા માટે દૈનિક ધોરણે કોવિડ-19 ટેસ્ટનો ઉપયોગ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો અર્થ એ છે કે જેઓ નેગેટીવ ટેસ્ટ ધરાવે છે તેઓ વર્ગખંડોમાં રહી શકે છે. પણ જો ટેસ્ટ ન કરાયા હોય તો આખા ક્લાસના બાળકોને આઇસોલેટ કરવા પડે છે.

એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને સરકારની £73 મિલિયનની ટેસ્ટીંગ યોજનાને “મુખ્ય સીમાચિહ્નરૂપ” ગણાવતા કહ્યું હતું કે ‘’આ યોજનાથી દર અઠવાડિયે લાખો બાળકોનો ટેસ્ટ થશે. જે વડા પ્રધાનની £100 બિલિયનના “ઓપરેશન મૂનશોટ” પહેલ અંતર્ગત સામૂહિક-ટેસ્ટીંગ યોજનાના કેન્દ્રમાં છે અને કેટલીક સેકન્ડરી સ્કૂલોમાં પહેલેથી જ ચાલુ છે.

આ યોજના પહેલા પ્રાથમિક શાળાઓમાં અને પછી જાન્યુઆરીના અંત સુધીમાં યુનિવર્સિટીઓ થવાની ધારણા હતી પરંતુ હવે તે ખૂબ જ અસંભવિત લાગે છે.