પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્ય સરકારે રચેલી સમિતિએ મંગળવારે જણાવ્યું હતું કે તે એક મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે. સમિતિ મુખ્યપ્રધાનને રિપોર્ટ સુપરત કરે તે પછી સરકાર આ અહેવાલને કાયદામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વ હેઠળની સમિતિએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી અને પ્રગતિ વિશે માહિતી આપી હતી.કાયદા પ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર હતાં.

સમિતિના વડા દેસાઈએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ ઔપચારિક બેઠક દરમિયાન અમે મુખ્યમંત્રીના મંતવ્યો લીધા હતાં. રિપોર્ટ સબમિટ કરવાની તારીખ હજુ નક્કી નથી પરંતુ અમે તેને એક મહિનાની અંદર સબમિટ કરવાની આશા રાખીએ છીએ. મારું માનવું છે કે અમને વધુ કોઈ મુદત લંબાવવાની જરૂર નહીં પડે.

ભાજપ સરકારે આ વર્ષે 4 ફેબ્રુઆરીએ રાજ્યમાં યુસીસીની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા અને બિલનો મુસદ્દો તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી. સરકારના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમિતિને વિવિધ સમુદાયોના લોકો તરફથી લગભગ 1.25 લાખ રજૂઆતો મળી હતી. સમિતિએ અત્યાર સુધી 38 મુસ્લિમ સંગઠનો સાથે પણ ચર્ચાવિચારણા કરી છે.

સમિતિના અન્ય ચાર સભ્યોમાંનિવૃત્ત IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY