અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને મુદ્દે મતભેદને પગલે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મંગળવારે રાજીનામું પાછું ખેંચી લીધું હતું.
ખેડાવાલાએ સોમવારે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું હતું, પરંતુ સમજાવટ બાદ તેમણે નારાજગી સાથે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીના હિતમાં મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. પક્ષને નુકસાન થાય તેવું કામ નહીં કરું. મનદુઃખ જરૂર થયું છે, પરંતુ પાર્ટીએ આપેલા આશ્વાસનથી તેમણે સંતોષ થયો છે. ઈમરાન ખેડાવાલા મંગળવારે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપવાના હતા, પરંતુ અમિત ચાવડા સાથે વાતચીત બાદ તેમણે આ નિર્ણય માંડી વાળ્યો હતો.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયેલી ટિકિટ વહેંચણી તેમજ મેન્ડેટ આપવાની પદ્ધતિના કારણે તેઓ નારાજ થયા હતા. આ અંગે તેમણે નારાજગી દર્શાવી હતી અને વિરોધના ભાગરુપે પોતાનું રાજીનામું આપ્યું હતું. તેમણે ટિકિટ વહેંચણીમાં કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જમાલપુરમાં ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ પોસ્ટર લગાતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. પોસ્ટરમાં ટિકિટ વહેંચણી અંગે ઈમરાન ખેડાવાલાના વલણનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકીય નિરીીક્ષકોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના સંગઠનમાં પોતાનું કદ મજબૂત કરવા માટે ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને હવે પાછું ખેંચી લીધું છે.