પ્રતિકાત્મક ફોટો (istockphoto.com)

ભારતની સૌથી મોટી ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટને ખરીદવા માટે ટાટા ગ્રૂપે 1.2 બિલિયન ડોલરની ડીલ કરી છે. આ સોદાને પગલે આ ઇ-ગ્રોસરી કંપનીમાં ટાટા ગ્રૂપને 60થી 63 ટકા ઇક્વિટી હિસ્સો મળશે. બંને કંપનીઓ નિયમકારી મંજૂરી અને ખાસ કરીને ભારતીય સ્પર્ધા પંચની મંજૂરીને રાહ જોઇ રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ડીલની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંને કંપનીઓએ આ ડીલ અંગે કોઇ ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે શેરના પ્રાયમરી અને સેકન્ડરી વેચાણ મારફત આ ડીલ નક્કી કરવામાં આવી છે. બિગબાસ્કેટના સૌથી મોટા રોકાણકારોમાં ચીનની ઇ-કોમર્સ જાયન્ટ અલિબાબાનો સમાવેશ થાય છે. અલિબાબા ગ્રૂપ બિગબાસ્કેટમાં 27.55 ટકા હિસ્સો ધરાવે છે. આ સોદામાં અલીબાબા ગ્રૂપને એક્ઝિટનો વિકલ્પ મળશે. ટાટા ગ્રૂપ બિગબાસ્કેટમાં આશરે 200થી 250 મિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે. આ ડીલના ભાગરૂપે ટાટા ગ્રૂપ 2020 સુધીમાં આઇપીઓ મારફત બિગબાસ્કેટનું શેરબજારમાં લિસ્ટિંગ કરાવશે.

કોરોના કાળ બાદ ટાટા ગ્રૂપે ઈ-કોમર્સ માર્કેટ પર ધ્યાન આપવાની રણનીતિ બનાવી છે. બીજી તરફ બિગ બાસ્કેટનું માનવું છે કે ટાટા હિસ્સેદારી ખરીદશે તો તેમને પ્રોત્સાહન મળશે, જેનાથી તે હરિફ કંપનીઓ સામે મજબૂતાઇથી સ્પર્ધા કરી શકશે.. નિરીક્ષકોના જણાવ્યા અનુસાર બિગબાસ્કેટમાં જંગી માત્રામાં શેર ખરીદીને ટાટા ગ્રૂપ ઈ-કોમર્સ માર્કેટમાં પોતાનો સિક્કો જમાવવા માંગે છે. ઓનલાઇન બિઝનેસ સ્પેસમાં આ સૌથી મોટો સોદો બની શકે છે.