વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારતે વધુ એક સીમાચિહ્નરૂપ મુકામ પાર કર્યું છે. 19 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીના અહેવાલ અનુસાર ભારતમાં કોવિડ-19 વિરોધી રસી લેનારા આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓનો આંકડો એક કરોડથી વધારે થઇ ગયો છે.
ભારતને એક કરોડ રસી આપવાના સીમાચિહ્નરૂપ મુકામ સુધી પહોંચવામાં માત્ર 34 દિવસ થયા છે જે દુનિયામાં બીજા ક્રમે સૌથી ઝડપી કામગીરી છે.
શુક્રવાર સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કુલ 2,11,462 સત્રોનું આયોજન કરીને 1,01,88,007 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાં 62,60,242 HCW (1લો ડોઝ), 6,10,899 HCW (2જો ડોઝ) અને 33,16,866 FLWs (1લો ડોઝ) સામેલ છે.
દેશમાં શરૂ કરવામાં આવેલી રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જેમણે કોવિડ-19 વિરોધી રસીનો 1લો ડોઝ લીધો હોય તેવા લાભાર્થીઓને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 ફેબ્રુઆરી 2021થી FLW માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
રસીકરણ કવાયતના 34મા દિવસે (18 ફેબ્રુઆરી 2021ના રોજ) કુલ 6,58,674 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 10,812 સત્રોમાં 4,16,942 લાભાર્થીને 1લો ડોઝ (HCW અને FLW) આપવામાં આવ્યો હતો જ્યારે 2,41,732 HCWને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
દેશમાં રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે.
ભારતમાં રસી આપવામાં આવી હોય તેવા કુલ લાભાર્થીઓમાંથી 57.47% લોકો 8 રાજ્યોમાંથી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 10.5% (10,70,895) લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.
ભારતમાં રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોય તેવા 60.85% લાભાર્થીઓ 7 રાજ્યોમાંથી છે. તેલંગાણામાં સૌથી વધારે 12% લાભાર્થીઓને (73,281 લાભાર્થી) રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, ગોવા, ઝારખંડ, મેઘાલય, પુડુચેરી, ચંદીગઢ, મણીપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.
પંદર રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1-5 મૃત્યુ જ્યારે 3 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6-10 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે અને આજે આ આંકડો 1.39 લાખ (1,39,542) નોંધાયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 1.27% રહ્યું છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.06 કરોડ (1,06,67,741) થઇ ગઇ છે. કુલ સાજા થવાનો દર 97.30% નોંધાયો છે. નવા સાજા થયેલામાંથી 83.15% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,193 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. તે પછીના ક્રમે 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,543 અને તમિલનાડુમાં વધુ 470 દર્દી સાજા થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 13,193 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.
દૈનિક ધોરણે નવા નોંધાયેલા 86.6% પોઝિટીવ કેસ 6 રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,427 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં નવા 4,584 જ્યારે તમિલનાડુમાં નવા 457 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.
નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 76.29% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 38 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, કેરળમાં દૈનિક ધોરણે વધુ 14 અને પંજાબમાં વધુ 10 દર્દીના મૃત્યુ નોંધાયા છે.