અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડેન્ટ જો બિઇને સત્તા સંભાળ્યા પછી 100 દિવસની અંદર 100 મિલિયન અમેરિકનોને કોવિડ-19 વિરોધી રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ 37મા દિવસે જ 50 મિલિયન અમેરિકન્સે આ રસી લઇ લીધી છે. બિડેને કહ્યું હતું કે, જ્યારે આપણે અમેરિકન્સને રસી આપવાની ચર્ચા કરીશું ત્યારે હું તમને તેની વધુ માહિતી આપીશ.
ભારતે કમર્શિયલ કોન્ટ્રાક્ટ અંતર્ગત બ્રાઝિલ, મોરોક્કો, મ્યાનમાર, ઇજિપ્ત, અલ્જિરિયા, સાઉથ આફ્રિકા, કુવૈત અને યુએઇને રસીનો પૂરવઠો આપ્યો છે. બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કોવાક્સિન રસીના 20 મિલિયન ડોઝ ખરીદવા સમજૂતી કરી છે.
સિંગાપોરમાં ક્વોરન્ટાઇનના નિયમોના ઉલ્લંઘન બદલ 39 વર્ષની ભારતીય મહિલા અગાથા માઘેશ ઇયામલાઇ અને અને તેના 52 વર્ષીય બ્રિટિશ પતિ નિગેલને 15 દિવસની જેલ સજા અને એક હજાર સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
શ્રીલંકાની સરકારે અગાઉ મુસ્લિમો સહિત લઘુમતી સમૂદાયોને કોરોનાનો ભોગ બનેલાઓના મૃતદેહોને ફરજિયાત બાળવાનો આદેશ આપ્યો હતો તેમાં હવે સુધારો કર્યો છે. નવા ફેરફાર અંતર્ગત હવે મૃતદેહોની દફનવિધિ કરવાની મંજૂરી આપી છે. અમેરિકામાં વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના ટેસ્ટીંગ માટે ટપાલ ટિકિટના કદ જેટલી એક નવી ચીપ વિકસાવી છે જે સ્માર્ટફોનમાં એક કલાક કરતાં ઓછા સમયમાં તેનું પરિણામ રજૂ કરે છે. અમેરિકાની રાઇસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી આ માઇક્રોફલુઇડિક ચીપમાં ન્યુક્લિઓકેપ્સીડ પ્રોટીનનું બાયોમાર્કર હોય છે અને તેનું સરળ રીતે સંચાલન થઇ શકે છે. આ ટેસ્ટીંગમાં લેબની જરૂર રહેતી નથી અને તેને સરળતાથી એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે.