અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને ગુરુવાર, ચાર માર્ચ, 2021ના રોજ વ્હાઉટ હાઉસમાંથી વર્ચ્યુઅલ કોલ દરમિયાન મંગળ પર યાન મોકલવા બાદ નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી માર્સ 2020 ટીમને અભિનંદન આપ્યા હતા. (AP/PTI)

અમેરિકન વહીવટીતંત્રમાં ભારતીય-અમેરિકન સમુદાયના ઘણાબધા લોકો વહિવટીતંત્રની મોખરાની જવાબદારીમાં હોવાનો ઉલ્લેખ કરી પ્રેસિડેન્ટ બાઇડેને નાસાના વિજ્ઞાનીઓ સાથે વર્ચ્યુઅલ વિચારવિમર્શ દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય-અમેરિકનો અમેરિકા ઉપર છવાઈ ગયા છે – રાજ (વહીવટ) કરી રહ્યા છે. વહિવટીતંત્રની લગભગ દરેક પાંખમાં મળી કુલ 55 ભારતીય અમેરિકનોના નેતૃત્વનો ઉલ્લેખ કરતાં પ્રેસિડેન્ટે સ્વાતિ મોહન (માર્સ ઉપર પર્સીવીયરન્સ લેન્ડીંગના કર્તાહર્તા) ઉપપ્રમુખ હમલા હેરિસ તથા પ્રમુખનું ભાષણ તૈયાર કરનારા વિનય રેડ્ડીનો ઉલેલેખ કર્યો હતો.

20મી જાન્યુઆરીએ અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ બનેલા બાઇડેને તેમના વહિવટીતંત્રમાં 55 ભારતીય અમેરિકનોની નિમણૂંક કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ 55 ભારતીય-અમેરિકનોમાં  વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો સમાવેશ થતો નથી. કમલા હેરિસ ચૂંટાયેલા હોદ્દા ઉપર છે. 55 ભારતીય અમેરિકનોમાં અડધોઅડધ મહિલાઓ છે અને તેમાંથી નોંધપાત્ર સંખ્યાની મહિલાઓ વ્હાઇટ હાઉસમાં કામ કરે છે.

અમેરિકાના વહિવટીતંત્રમાં વધારે ભારતીય – અમેરિકનોની નિમણૂંક 2009-2017 દરમિયાન ઓબામાના શાસનકાળથી શરૂ થઇ હતી. ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે પણ પહેલી જ વખત ભારતીય અમેરિકનને કેબિનેટના દરજ્જા અને એનએસસીમાં (નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ) નિમણૂંક આપી હતી. ગત સપ્તાહે યુએસ સર્જન જનરલ પદ માટે ડો. વિવેક મૂર્તિ સેનેટ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ન્યાય વિભાગના એસોસિએટ એટર્ની જનરલ પદ માટે વિનિતા ગુપ્તા પણ સમિતિ સમક્ષ હાજર થવાના છે.

માર્સ 2020ના ગાઇડન્સ એન્ડ કન્ટ્રોલ ઓપરેશનના સ્વાતિ મોહનની નિયુક્તિ રાજકીય નથી. બાઇડેન દ્વારા નિયુક્ત મહિલાઓમાં ઉઝરા ઝેયા (વિદેશ વિભાગમાં માનવ અધિકાર, લોકશાહી નાગરિક સુરક્ષા કાર્યભાર), આયેશા શાહ (નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડેપ્યુટી ડાયરેક્ટર), સુમોના ગુહા (નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં દક્ષિણ એશિયા માટેના સિનિયર ડાયરેક્ટર) સાબ્રિના સિંઘ (વાઈસ પ્રેસિડેન્ટના નાયબ અખબારી સચિવ), શાંતિ કલાથી (એનએસસીમાં લોકશાહી માનવ અધિકારના કો-ઓર્ડીનેટર) ગરીમા વર્મા (ફર્સ્ટ લેડીની ઓફિસના ડિજિટલ ડાયરેક્ટર) સોનિયા અગ્રવાલ (ક્લાઇમેટ પોલીસીના સલાહકાર) નેહા ગુપ્તા (વ્હાઇટ હાઉસ ઓફિસના એસોસિયેટ કાઉન્સેલ), અને રીમા શાહ (ડેપ્યુટી કાઉન્સેલ)નો સમાવેશ થાય છે.

ડીમ્પલ  ચૌધરી (સાધનસ્રોત અને પર્યાવરણ એજન્સીના નાયબ જનરલ કાઉન્સેલ), શર્મિષ્ઠા દાસ (ગૃહમંત્રાલયમાં નાયબ જનરલ કાઉન્સેલ), રૂચિ જૈન (કાયદા વિભાગમાં નાયબ સોલિસિટર) મીરા જોષી (ફેડરલ મોટર કેરિયર વિભાગમાં હંગામી વહીવટકર્તા) અરૂણા કલ્યાણમ (ટેક્સ બજેટ ટ્રેઝરી વિભાગમાં ડેપ્યુટી આસીસ્ટન્ટ સેક્રેટરી) રહેશે. ગૌતમ રાઘવન, ભરત રામમૂર્તિ, તરૂણ છાબ્રા, વેદાંત પટેલને પણ મહત્વનાં હોદ્દા અપાયા છે. વહિવટીતંત્રમાં ભારતીય-અમેરિકનોની આટલી મોટી સંખ્યામાં વરણીને નોંધપાત્ર ગણાવતાં નેહા દેવને જણાવ્યું હતું કે, ભારતીય સમુદાય માટે આ ગૌરવવંતી પળ છે.