ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને સ્કોટલેન્ડસ્થિત યુનિવર્સિટી ઓફ એડિનબર્ગે ભારત અને વિશ્વને ગુજરાત રિસર્ચ, ઇનોવેશન અને ઉચ્ચદક્ષતા પ્રાપ્ત વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં પૂરા પાડી શકે તે માટે શુક્રવારે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MOA સંપન્ન કર્યા છે.
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની પ્રત્યક્ષ ઉપસ્થિતીમાં થયેલા આ MOA એકસચેંજ સેરીમનીમાં બ્રિટીશ હાઇકમિશનર ટુ ઇન્ડીયા એલેક્ષ, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પીટર મેથીસન, ભારત સરકારના પ્રિન્સીપલ સાયન્ટીફિક એડવાઇઝર પ્રો. કે. રાઘવન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
આ MOAનું પરસ્પર આદાન-પ્રદાન રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુકલા અને ગુજરાત તથા રાજસ્થાન માટેના બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર પીટર કૂક વચ્ચે કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને આ તકને ગુજરાત માટે એક મહત્વપૂર્ણ અવસર ગણાવતાં જણાવ્યું કે, વિકાસનું રોલમોડેલ ગુજરાત ઔદ્યોગિક, પ્રવાસન સહિતના ક્ષેત્રોના વિકાસ સાથે વર્લ્ડ કલાસ એજ્યુકેશન હબ તરીકે પણ ઊભરી આવ્યું છે. ગુજરાતમાં વિશ્વ સમકક્ષ બહુધા વિષયોના તજ્જ્ઞ શિક્ષણ-અભ્યાસ માટે રાજ્ય સરકાર સેકટર સ્પેસિફિક યુનિવર્સિટીના કન્સેપ્ટ સાથે આગળ વધી રહી છે. રાજ્યની આવનારી પેઢીને બાયોટેકનોલોજી ક્ષેત્રના વર્તમાન સમયની માગ અનુસાર વિશ્વકક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ આ નવિન પહેલ કરીને એડિનબર્ગ યુનિવર્સિટી સાથે તજ્જ્ઞ શિક્ષણ વ્યવસ્થાના MOA કર્યા છે.
બ્રિટીશ હાઇ કમિશનર ટુ ઇન્ડીયા એલેકસે ગુજરાત સરકારની આ દૂરદર્શી પહેલ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વિઝનનો વિશેષ ઉલ્લેખ કરી આનંદની લાગણી દર્શાવી હતી. બ્રિટીશ હાઇકમિશનરે જણાવ્યું કે, ગુજરાત એજ્યુકેશન, ઇન્વેસ્ટમેન્ટ અને ટેલેન્ટમાં ભારતનું પાયોનિયર સ્ટેટ છે. હવે, આ બે યુનિવર્સિટી વચ્ચેની સહભાગીતા સાયન્ટીફિક એકસલન્સમાં પણ ગુજરાતને વિશ્વસ્તરે લઇ જશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
સાયન્સ ટેકનોલોજી સચિવ હરિત શુકલાએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ભાગીદારીથી મેડિકલ, ઇન્ડસ્ટ્રિયલ, એગ્રિલકલ્ચરલ અને એન્વાયર્મેન્ટલ બાયોટેક્નોલોજી જેવા વિષયોમાં ઇનોવેટિવ માસ્ટર્સ પ્રોગ્રામ્સ તેમજ ઇન્ડસ્ટ્રી સાથે સંકલિત પીએચડી પ્રોગ્રામ્સ ઉપલબ્ધ થશે અને આ તમામ પ્રોગ્રામ્સ 2021-22ના શૈક્ષણિક સત્ર માટે ચાલુ થશે.
ગાંધીનગર ખાતે સ્થપાનારી આ ઇનોવેટિવ અને મોડર્ન ઇન્સ્ટિટ્યૂશનમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ, વિઝિટિંગ ફેકલ્ટી, સ્ટુડન્ટ મોબિલિટીની સુવિધાઓ તેમજ વૈશ્વિક કક્ષાનું શૈક્ષણિક અને સંશોધન માટેનું વાતાવરણ ઊભું કરવા માટેની પોલિસીઓ પણ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ દ્વારા સાથે મળીને ઘડવામાં આવશે.
રાજ્ય સરકારની આ નવીન પહેલ દ્વારા ટ્રાન્સલેશનલ રિસર્ચને પ્રોત્સાહન મળશે અને દેશભરમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ માટે આ એક વિરાટ પગલું સાબિત થશે.