ચાન્સેલર ઋષિ સુનકે રોગચાળો જાહેર થયા પછી તેમના પ્રથમ બજેટમાં લોકડાઉન સાથે સંઘર્ષ કરનારા કામદારો અને બિઝનેસીસ માટે વધુ ટેકો જાહેર કર્યો છે અને લોકોની નોકરીઓ અને આજીવિકાને બચાવવા માટે ત્રણ ભાગની યોજના તૈયાર કરી છે. ફર્લો યોજનાને વધુ ઉંચી યુનિવર્સલ ટેક્સ ક્રેડિટની ચુકવણી સાથે સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. સુનકે સેલ્ફ એમ્પલોઇડ લોકો માટે વધુ ગ્રાન્ટ્સની જાહેરાત કરી હતી અને યોજનાનો વિસ્તાર કરતા નવા 600,000 સેલ્ફ એમ્પલોઇડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ મોટી કંપનીઓએ તેમના નફા પર 2023થી વધારે કર ચૂકવવો પડશે. તો બીજી તરફ એક મિલિયન વધુ લોકો આવકવેરા ભરવાનું શરૂ કરશે.
બજેટ ભાષણમાં શ્રી ઋષી સુનકે સાંસદોને જણાવ્યું હતું કે ‘’બેરોજગારી ઓછી રહેશે – અને વૃદ્ધિ વધારે. પરંતુ લાંબા ગાળાના આર્થિક નુકસાનને સુધારવામાં સમય લાગશે. રોગચાળા વિનાના અર્થતંત્રની સરખામણીએ આગામી પાંચ વર્ષમાં અર્થતંત્ર 3 ટકા જેટલું નાનુ રહેશે. અર્થતંત્રને બચાવવા માટે પ્રતિબદ્ધ £280 બિલિયનની મદદ કરી હોવા છતાં, કોરોનાવાયરસ દ્વારા થયેલું નુકસાન “તીવ્ર” હતું. આપણું અર્થતંત્ર 10% ઘટ્યું છે જે છેલ્લા 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ દેશ અને આખા વિશ્વને આ અસાધારણ આર્થિક સ્થિતિમાંથી સાજા થવા માટે લાંબો સમય લાગશે પણ આપણે જરૂર સ્વસ્થ થઈશું.”
શ્રી સુનકે જાહેરાત કરી હતી કે ટ્રેઝરી વિભાગની 7૦ સિવિલ સર્વિસ જોબ્સ નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના ડાર્લિંગ્ટનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે અને ઇંગ્લેન્ડના 45 સંઘર્ષશીલ શહેરોમાં £1 બિલિયનથી વધારે રકમ વહેંચવામાં આવશે.
બજેટ પછી ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં શ્રી સુનકે લોકો અને ધંધાઓને “લોકડાઉનના અંતથી સારી રીતે બચાવવા” અને કોરોનાવાયરસથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની યાદમાં “નિષ્કલંક અને વધુ ન્યાયી” દેશ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સુનકે ટીકાકારો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે યુએસ, ફ્રાન્સ અને જર્મની સહિતના જી-7 અર્થતંત્રમાંથી સૌથી નીચો બિઝનેસ ટેક્સ યુકેનો હશે.”
કોર્પોરેશન ટેક્સનો હેડલાઇન રેટ 2023થી 19%થી 25% સુધી વધશે, જોકે નાની કંપનીઓને તેમાંથી મુક્તિ મળશે. આવકવેરા થ્રેશહોલ્ડ્સને ફ્રીઝ કરાતા 1.3 મિલિયન વધુ લોકોને આવકવેરો ભરવો પડશે. જ્યારે એક મિલિયનથી વધુને ઉંચા દરે ઇન્કમ ટેક્સની ચૂકવણી કરવી પડશે તેવી અપેક્ષા છે. ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝે જણાવ્યું હતું કે 2025-26 સુધીમાં બજેટ દ્વારા વધારાના £29 બિલિયન વધારવાનું નક્કી કરાયું છે જે હાલનાં ધોરણો ખૂબ મોટી રકમ છે.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’યુકેની કોવિડગ્રસ્ત અર્થવ્યવસ્થાને બચાવવા માટે બજેટમાં લેવાયેલા પગલાં મહત્વાકાંક્ષાની જરા પણ નજીકમાં નથી. એનએચએસ અને સોશ્યલ કેરને ઠીક કરવા, અસમાનતા ઘટાડવા અથવા વધુ પરવડે તેવા ઘરો બનાવવા માટે કંઇ કર્યું નથી. શ્રી સુનક તેમના ફ્રી-માર્કેટ સિદ્ધાંતો પર પાછા આવવા અને શક્ય તેટલું ઝડપથી સમર્થન ખેંચવા માટે મથી રહ્યા છે”
વેસ્ટમિંસ્ટર ખાતેના એસએનપીના નેતા, ઇયાન બ્લેકફર્ડે કહ્યું હતું કે “જ્યાં સુધી બિઝનેસીસ અને ડિવોલ્વ્ડ સરકારોને જરૂર હોય ત્યાં સુધી ફર્લો યોજનાને ચાલુ રાખવી જોઈએ.”
લિબરલ ડેમોક્રેટના ટ્રેઝરીના પ્રવક્તા ક્રિસ્ટીન જાર્ડિને ચેતવણી આપી હતી કે ‘’યુનિવર્સલ ક્રેડિટ ટોપ-અપ પણ ફર્લોની જેમ જ તેની સાથે સમાપ્ત થઈ જશે, એટલે કે લોકો તેમની નોકરી ગુમાવી શકે છે અને તેમને જે વધારાની સહાયની જરૂર પડશે તે પણ પ્રાપ્ત કરી શકશે નહીં.’’