હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું મંગળવારે ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું. મેઘનાદ દેસાઈ જાણીતા ઇન્ડિયન બ્રિટિશ અર્થશાસ્ત્રી હતાં. મૂળ ગુજરાતના વતની દેસાઈએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના એમેરિટસ પ્રોફેસર તરીકે સેવા આપી હતી, ૧૯૬૫થી ૨૦૦૩ સુધી ત્યાં શિક્ષણ આપ્યું હતું. તેમનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો.
લંડનમાં પરિવારના નજીકના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે સ્વાસ્થ્ય સમસ્યાને કારણે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમના પત્ની, લેડી કિશ્વર દેસાઈએ કહ્યું હતું કે “હું ખૂબ જ દુઃખી છું, કારણ કે તેઓ મારા રોકસ્ટાર પતિ હતાં, અવિનાશી. હું તેમને ખૂબ પ્રેમ કરતી હતી.”
તેઓ ૧૯૭૧માં લેબર પાર્ટીમાં જોડાયા હતાં અને જૂન ૧૯૯૧માં સેન્ટ ક્લેમેન્ટ ડેન્સના લોર્ડ દેસાઈ તરીકે હાઉસ ઓફ લોર્ડ્સમાં બઢતી પામ્યા હતાં.
તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી અને 1960માં યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો તેમને 30 એપ્રિલ, 1991ના રોજ લોર્ડ દેસાઈ ઓફ સેન્ટ ક્લેમેન્ટ ડેન્સ બનાવવામાં આવ્યાં હતાં. લેબર રાજનેતા અને નેશનલ સેક્યુલર સોસાયટીના માનદ સહયોગી તરીકે દેસાઈનો બ્રિટનના શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રોમાં ખૂબ પ્રભાવ રહ્યો હતો.
લોર્ડ મેઘનાથ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જાણીતા ચિંતક, લેખક અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈના નિધનથી વ્યથિત છું. તેઓ હંમેશા ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યાં. તેમણે ભારત-યુકે સંબંધોને ગાઢ બનાવવામાં પણ ભૂમિકા ભજવી હતી તેમની સાથે થયેલી ચર્ચાઓને હું પ્રેમથી યાદ કરીશ. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
બ્રિટિશ લેબર પાર્ટીમાં સક્રિય સભ્ય તરીકે, દેસાઈએ ૧૯૮૬થી ૧૯૯૨ સુધી ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમના અધ્યક્ષપદના સમાપનની નજીક, એપ્રિલ ૧૯૯૧માં તેમને વેસ્ટમિન્સ્ટર શહેરમાં બેરોન દેસાઈનું બિરુદ મળ્યું.
