(Photo by Chris J Ratcliffe/Getty Images)

સરકારે ફેબ્રુઆરી 2021ના ​​અંત સુધી આવરી લેવાયેલી વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમના લાભાર્થોની માહિતી આપતા આંકડા પ્રકાશિત કર્યા છે.

એપ્રિલ 2019થી શરૂ થયેલી વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમ દ્વારા લગભગ £18 મિલિયન ઑફર કરાયા છે અથવા તેની ચૂકવણી કરાઇ છે. આમાંથી, £6 મિલિયનથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે અને એક મહિનામાં તો £2 મિલિયનથી વધુ રકમ ચૂકવાઇ હતી. આ સમય દરમિયાન 409 દાવાનો સ્વીકાર કરાયો હતો અને ચુકવણી કરાઇ હતી. 703 લોકોને રેફરન્સ આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં, હોમ સેક્રેટરીએ વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમમાં મોટા ફેરફારો અમલમાં મૂક્યા હતા. જેમાં ઇમ્પેક્ટ ઑન લાઇફ કેટેગરી હેઠળ લઘુત્તમ એવોર્ડ વધારીને £10,000 કરવામાં આવ્યો હતો. આ ફેરફારોની ચુકવણીની ગતિ અને રકમ પર તાત્કાલિક અસર પડી છે. ફક્ત છ અઠવાડિયામાં જ, યોજનાના પ્રથમ 19 મહિનાની સરખામણીએ વધુ પૈસા ઓફર કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બરના અંતથી, વ્યક્તિઓને ચૂકવવામાં આવતી રકમ બમણાથી વધુ થઈ ગઈ છે.

વિન્ડરશ કાંડના તમામ પીડિતોને આગળ આવવા અને મળવાપાત્ર વળતર મેળવવા માટે પ્રોત્સાહિત કરવા સમુદાયો સાથે કામ કરવા સરકાર તત્પર છે.