- લૌરેન કોડલીંગ
યુકેની ઇમિગ્રેશન નીતિમાં “મોટા ફેરફારો” કરવાના પગલા તરીકે દેશમાં અને બહાર ઇમિગ્રેશનના સ્તરને માપવા માટે યુકેના ભારતીય મૂળના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે તા. 24ને સોમવારે યુએસ-શૈલીની નવી ડિજિટલ વિઝાનું અનાવરણ કર્યું હતું. આ યોજના 2024 સુધીમાં આમલમાં આવશે તેવો અંદાજ છે અને વાર્ષિક ધોરણે 30 મિલિયન જેટલી અરજીઓ પર પ્રોસેસ થવાની ધારણા છે.
બ્રેક્ઝિટ પછીના બદલાવમાં સરહદનું ડિજિટલ રૂપે સંચાલન કરવામાં આવશે, જેથી બિઝનેસીસ માટે નેવિગેટ કરવું વધુ સરળ બનશે અને યુકેમાં આવતા અને બહાર જતા લોકોની પ્રથમ વખત ગણતરી કરાશે.
પ્રીતિ પટેલે ‘ઓબ્ઝર્વર’ દૈનિકને કહ્યું હતું કે “અમારી નવી સંપૂર્ણ ડિજિટલ બોર્ડર દેશમાં આવતા અને બહાર જતા લોકોની ગણતરી કરવાની ક્ષમતા પ્રદાન કરશે અને યુકેમાં કોણ આવે છે તેના પર નિયંત્રણ રાખશે. અમારા આ નવા અભિગમથી તેઓ યુકેની બોર્ડર પર આવે તે પહેલાં જ સંભવિત જોખમોને ઓળખવાનું અમારા માટે સરળ બનશે. બ્રિટિશ નાગરીકોને વિશ્વાસ બેસશે કે તેમને સુરક્ષિત રાખવા માટે સૌથી મજબૂત નિયંત્રણ છે. યુકે હોમ ઑફિસને આશા છે કે 2025ના અંત સુધીમાં યુકેમાં પ્રવેશને સંપૂર્ણ ડિજિટલ કરાશે.’’
આનો અર્થ એ છે કે વિઝા અથવા ઇમિગ્રેશન સ્ટેટસ વિના યુકેમાં આવવા ઇચ્છતા બ્રિટીશ અથવા આઇરિશ નાગરિકો સિવાયના લોકો માટે ઇટીએ ફરજિયાત રહેશે. લોકોએ યુ.એસ. સિસ્ટમની જેમ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) માટે અરજી કરવાની રહેશે. પ્રીતિ પટેલ એસાયલમ સીસ્ટમ અને માનવ તસ્કરી પર કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
બ્રિટિશ ફ્યુચર અને બ્રાઇટ બ્લુ થિંક-ટેન્ક્સ દ્વારા યોજાયેલ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પટેલે કહ્યું હતું કે ‘’બ્રેક્ઝિટ વોટના પરિણામો અને 2019ની સામાન્ય ચૂંટણીએ સાબિત કર્યું કે લોકો ઇમિગ્રેશન અંગેના પાછલા કાયદાથી અસંતુષ્ટ હતા. સરકાર ઇમિગ્રેશન વિરોધી હોવાની કલ્પનાઓમાં જરા પણ વજૂદ નથી. હું, વડા પ્રધાન કે આપણો મહાન દેશ ઇમિગ્રેશન વિરોધી નથી અને જેઓ કહે છે કે હું છું – તેઓ ખોટા છે.”
પટેલે ઇમીગ્રન્ટ પ્રત્યેના પોતાના અંગત સંબંધો પ્રતિબિંબિત કરતાં જણાવ્યું હતું કે ‘’મારા માતાપિતા 1960ના દાયકામાં યુગાન્ડાથી યુકે આવ્યા હતા. હું તેમ કદી કહી શકું નહિં કેમ કે મારા મારા માતાપિતાની હું વધારે ઋણી છું. મને બ્રિટીશ તરીકે, મારા માતાપિતા અને બ્રિટિશ ભારતીય પૃષ્ઠભૂમિ પર ગર્વ છે. હું લાખો બ્રિટીશ ભારતીયો અને ઇમીગ્રન્ટ પરિવારોના બાળકો સાથે જોડાઉ છું, જેમણે વિશ્વના સૌથી મહાન દેશો પૈકી એકમાં જીવન સ્થાપ્યું છે.”
ઇમિગ્રેશન કોન્ફરન્સમાં પટેલના મુખ્ય ભાષણ બાદ, પેનેલીસ્ટ્સે શરણાર્થીઓની સુરક્ષા અને કામ માટે ઇમીગ્રન્ટ્સના ભવિષ્ય સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બ્રેક્ઝિટ પછી સ્થળાંતર અંગેની ચર્ચા દરમિયાન હોમ ઑફિસના ભૂતપૂર્વ વિશેષ સલાહકાર સલમા શાહે સરકારની નવી પોઇન્ટ-બેઝ્ડ સિસ્ટમ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘’વિઝા લઇ યુકે જવા ઇચ્છતા ઇમીગ્રન્ટ કામદારોએ ઇંગ્લિશ બોલવાની ક્ષમતા, ચોક્કસ કમાણી, અનુભવ, ભણતર ઉપર પોઇન્ટ મેળવે તો જ લાયક બને છે. તે સંભવિત પ્રતિભાને યુકેમાં આવતા અટકાવી શકે છે. કેટલાક ભારતીય વિશ્લેષકો અને આઇટી નિષ્ણાતો અમેરિકાની પસંદગી કરી રહ્યા છે અને મને નથી લાગતું કે પોઇન્ટ્સ આધારિત સિસ્ટમ તેમને પહેલાની જેમ જ પ્રોત્સાહન આપવા માટે સક્ષમ છે.”
બીજા પેનલીસ્ટ અને કન્ઝર્વેટિવ સાંસદ, માઇગ્રેશન પરની ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (એપીજી)ના અધ્યક્ષ ડેવિડ સિમોન્ડ્સે જણાવ્યું હતું કે ‘’મારા મતદારોમાંથી મોટાભાગના લોકોની ચિંતાઓ ઇમીગ્રેશનના સ્તર અંગે નથી – પરંતુ જો કોઈ વ્યક્તિને યુકેમાંથી બળજબરીથી દૂર કરવામાં આવી રહ્યો હોય તો તેને માટે છે અને તેઓ દરમિયાનગીરી કરવાની વિનંતી કરે છે. આપણે લોકોને ઘરે લાવવાની જરૂર છે કે તે બધા જ બીજા છે અને આપણે બધા ફક્ત મનુષ્ય છીએ. જ્યારે તે ડર દૂર કરવામાં આવે છે, ત્યારે ઇમીગ્રેશન વિષે આપણે વધુ રચનાત્મક ચર્ચા કરીશું.”
અન્ય પેનેલિસ્ટ્સમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના માઇગ્રેશન ઓબ્ઝર્વેટરીના ડિરેક્ટર મેડેલીન સમ્પશન; બ્રિટીશ ફ્યુચરના હેડ ઓફ રીસર્ચ એન્ડ રિલેશન્સ હિથર રોલ્ફ; રેફ્યુજી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ એન્વર સોલોમન અને ઇન્ડીપેન્ડન્ટ સ્લેવરી કમિશનર ડેમે સારા થોર્ન્ટન શામેલ થયા હતા.
આ સપ્તાહની શરૂઆતમાં, પ્રીતિ પટેલ માનવ તસ્કરી કરતી ગેંગ પર પોલીસ અને NIA દ્વારા ઇસ્ટ લંડનમાં દરોડા પાડ્યા ત્યારે તેમની સાથે નજરે પડ્યાં હતાં. તે ગેંગના સભ્યો લોકો પાસેથી મોટી રકમ લઇને યુકેમાં ઘુસવા અને બહાર નીકળવાની વ્યવસ્થા કરી આપતા હતા. ગેંગમાં મિનિકેબ અને લૉરી ડ્રાઇવર્સનો ઉપયોગ કરાતો હતો. પોલીસે સ્મગલર ગેંગના શંકાસ્પદ રિંગલીડર્સની ધરપકડ કરી હતી. પાછલા 10 દિવસમાં, યુકેમાંથી 140થી વધુ વિદેશી ગુનેગારોને દૂર કરવામાં આવ્યા છે અને આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 700થી વધુ લોકોને દૂર કરાયા છે.