પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં સરકારી શટડાઉન હવે પાંચમાં સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે ઓછી આવક ધરાવતા અને નિવૃત્ત જીવન જીવતા લાખ્ખો માટે જીવન મુશ્કેલ બન્યું છે. સોશિયલ સિક્યોરિટી, હોમ હીટિંગ સહાય કાર્યક્રમ, ફૂડ સહાયમાં વિલંબ થઈ રહ્યો અને તેનાથી પરિવારો માટે આ શિયાળામાં તેમના ઘરોને ગરમ રાખવામાં અને કરિયાણું મેળવવામાં ઝઝુમી રહ્યાં છે.

બીજી તરફ કેન્સાસ, પેન્સિલવેનિયા, ન્યૂયોર્ક અને મિનેસોટા સહિતના કેટલાક રાજ્યોએ જાહેરાત LIHEAP પ્રોગ્રામ હેઠળની સહાયમાં વિલંબ થવાની જાહેરાત કરી હતી. પેન્સિલવેનિયામાં 3 લાખ પરિવારો માટે આ પ્રોગ્રામ હેઠળની સહાય ડિસેમ્બર સુધી ન મળે તેવી શક્યતા છે. મિનેસોટાએ એક મહિનાના વિલંબની જાહેરાત કરી હતી.
નીચી આવક ધરાવતા લોકોને 4.1 અબજ ડોલરની હોમ એનર્જી સહાયતા પ્રોગ્રામ હેઠળ સહાય મળે છે. તેનાથી લાખો પરિવારો તેમના ઘરોને ગરમ અને ઠંડુ રાખી શકે છે.

દેશના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે, ત્યારે કેટલાક રાજ્યો ચેતવણી આપી રહ્યાં છે કે ફેડરલ સરકારના શટડાઉનને કારણે આ કાર્યક્રમ હેઠળની સહાયમાં વિલંબ થશે. ફેડરલ ફંડથી ચાલતા હીટિંગ અને કૂલિંગ સહાય કાર્યક્રમ હેઠળ આશરે 60 લાખ પરિવારને મળતી સહાય સામે જોખમ ઊભું થયું છે વધુમાં આમાંથી મોટાભાગના પરિવારો માટે પૂરક પોષણ સહાય કાર્યક્રમ (SNAP) હેઠળના લાભો અચાનક મુલતવી રખાય છે. આ પ્રોગ્રામ મારફત લગભગ 8 માંથી 1 અમેરિકનને કરિયાણાની ખરીદી કરવામાં મદદ મળે છે. સામાજિક સુરક્ષાની બીજી યોજનાઓ માટે પણ પૈસા ખતમ થઈ રહ્યાં છે અને ઊર્જાના ભાવ વધી રહ્યાં છે.

નેશનલ એનર્જી આસિસ્ટન્સ ડિરેક્ટર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્ક વોલ્ફે જણાવ્યું હતું કે જો આપણે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવીએ તો દેશના ઘણા ગરીબ પરિવારો પર તેની ઊંડી અસર પડશે. આ મહત્ત્વની સરકારી સહાયતા છે અને તેના સામે જોખમ ઊભું થયું છે. તાજેતરના ઇતિહાસમાં અમેરિકામાં આવો કોઇ મુશ્કેલ સમય જોવા મળ્યો નથી.

લો-ઇનકમ હોમ એનર્જી આસિસ્ટન્ટ પ્રોગ્રામ (LIHEAP)થી પરિવારોને યુટિલિટી બિલો અથવા ઘરને ગરમ કરવા માટે તેલ જેવા ઇંધણના ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે. ફેડરલ સહાયથી રાજ્યો આ પ્રોગ્રામનું સંચાલન કરે છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બજેટમાં આ કાર્યક્રમ માટે શૂન્ય ભંડોળની દરખાસ્ત કરી છે, પરંતુ એવી ધારણા છે કે સંસદ 1 ઓક્ટોબરથી શરૂ થતા બજેટ વર્ષ માટે LIHEAP હેઠળ ભંડોળની ફાળવણી કરશે. પરંતુ સંસદે હજુ સુધી 2026નું સંપૂર્ણ ખર્ચ બિલ પસાર કર્યું ન હોવાથી રાજ્યોને હજુ સુધી તેમની નવી ફાળવણી મળી નથી.

 

LEAVE A REPLY