ભારતમાં ત્રાટકેલા કોવિડ-19 ચેપના વિનાશક બીજા મોજા સામેની લડતમાં મદદ કરવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા દાન કરાયેલ ઑક્સિજન કન્સન્ટ્રેટર્સ અને અન્ય જીવનરક્ષક ઉપકરણો ભારતના ગ્રામીણ ક્લિનિક્સ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ સુધી પહોંચ્યા છે.
ભારતમાં બીએપીએસના રાહત પ્રયાસોને ટેકો આપવા માટે સાયકલ ચેલેન્જ અંતર્ગત £700,000થી વધુ રકમ એકત્રિત કરાઇ હતી. ત્રણ દિવસીય, નોન સ્ટોપ ફંડ રેઇઝીંગ ઇવેન્ટમાં એકત્ર થયેલ દાનથી બીએપીએસએ 54 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સે ખરીદ્યા હતા અને બ્રિટીશ એરવેઝની ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટમાં દિલ્હી અને ત્યાંથી ગંભીર રીતે બીમાર દર્દીઓની સહાય માટે પહોંચાડવામાં આવ્યા હતા.
યુકે સાથે યુએઈ, યુગાન્ડા, કેન્યા અને અન્ય દેશોથી આવેલા ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી હોસ્પિટલોમાં બીએપીએસ સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યા છે. મશીનોની તાત્કાલિક રવાનગી જીવન બચાવવા માટે પ્રયાસ કરતી ફ્રન્ટલાઈન તબીબી સેવાઓ પર વાસ્તવિક અસર કરી રહી છે.
ગુજરાતના હિંમતનગર નજીકના હડિયોલ સ્થિત શ્રીજી ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરતા ડૉ. રસીક પટેલે જણાવ્યું હતું કે કોવિડના દર્દી કીર્તિભાઈ શ્વાસની તકલીફથી પીડાતા હોવાથી સૂઈ પણ શકતા ન હતા. પણ ઓક્સિજન કન્સન્ટ્રેટર્સના કારણે તેઓ હવે આરામથી શ્વાસ લઈ શકે છે.”
યુકેમાં બીએપીએસના અગ્રણી સ્વયંસેવક કમલેશ પટેલે ઉમેર્યું હતું કે “આ મહત્વપૂર્ણ તબીબી ઉપકરણોથી લાભ મેળવતા ઘણા દર્દીઓની પ્રશંસા સાંભળીને હૃદયને આનંદ થાય છે. બીએપીએસ કેન્દ્રો અને સ્વયંસેવકોના વૈશ્વિક નેટવર્ક દ્વારા લોકોને મદદ કરવાનું શક્ય બન્યું છે.”
બીએપીએસ યુકે દ્વારા દાન કરવામાં આવેલા વધુ 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પણ અમદાવાદના બીએપીએસ કોવિડ હબ પર પહોંચ્યા છે, જેનું આગામી દિવસોમાં વિતરણ કરવામાં આવશે.
બીએપીએસના કોવિડ રાહત પ્રયાસો વિશેના અપડેટ્સ માટે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર @neasdentemple ને ફોલો કરો.