બોલીવૂડના અભિનેતાઓને બે શ્રેણીમાં મૂકી શકાય. લોકપ્રિય અને પ્રતિભાશાળી. ગત વર્ષે 29 એપ્રિલે પોતાની અનોખી અભિનય કલાને હંમેશા માટે વિરામ આપનાર ઇરફાન ખાનનું નામ પ્રતિભાશાળી કલાકારની શ્રેણીમાં આવે. બોલીવૂડમાં ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ જેવી કારકિર્દી ધરાવનારા ઇરફાને પોતાના ચાહકોના દિલમાં અનોખું સ્થાન બનાવ્યું હતું. જે ફિલ્મકારોએ ઇરફાન સાથે કામ કર્યું છે તેઓ આ સરળ અને સહજ કલાકારને હૃદયપૂર્વક યાદ કરે છે.
તલવાર ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝાર ઇરફાનની અભિનય પ્રતિભા અને તેના વ્યક્તિત્વનાં વિવિધ પાસા અંગે વાતો કરીને તેને હૃદયાંજલી આપે છે. મેઘના કહે છે, હું ઇરફાન સરને પહેલી વખત મારા પિતાજીની ટીવી સિરિયલ કીરદાર(૧૯૯૩)ના શૂટિંગ દરમિયાન મળી હતી. પછી વિશાલ ભારદ્વાજની ઓફિસમાં મળી હતી. તે બંને વખતે મેં તેમની સાથે કોઇ વાતચીત કરી નહોતી. ઘણાં વર્ષો પછી હું ઇરફાન ખાનને રૂબરૂ તેમના ઘરે મળી હતી. અમે તેમને તલવાર ફિલ્મની સ્ટોરી મોકલી હતી. ત્યારબાદ તેમની સાથે ફિલ્મ અંગે ચર્ચા કરવા તેમને મળી હતી. તલવાર ફિલ્મમાં ઇરફાન ખાને સીબીઆઇના ઓફિસરની ભૂમિકા ભજવી હતી.
મેઘના કહે છે, ખરું કહું તો મારા તેમનો જોરદાર પ્રભાવ હતો. એટલે જ કહું છું કે ઇરફાનસરે મારી તલવાર ફિલ્મમાં કામ કરવાની હા કહી તેને મારું સૌભાગ્ય સમજું છું. તલવાર ફિલ્મ વખતે તો હું દિગ્દર્શક તરીકે બહુ ઓછી જાણીતી હતી.આમ છતાં તેમણે મારી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી તે મારી કારકિર્દી માટે બહુ મહત્વની ક્ષણ બની ગઇ.