(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

માત્ર ૧૭ વર્ષની ઉંમરે ટેલીવૂડમાં પ્રવેશ કરીને પ્રાચી દેસાઇએ ટેલીવિઝનના દર્શકો પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. ‘કસમ સે’ સીરિયલ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તો લાંબી મજલ કાપી છે. અભિષેક કપૂરની ફિલ્મ ‘રોક ઓન’ અને પછી મિલન લુથરિયાની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’માં પણ તેણે કામ કરી બોલીવૂડમાં પોતાની ઓળખ ઊભી કરી હતી. જોકે, વર્ષ 2015 પછી તેની કરીઅર થોડી ધીમી પડી ગઈ છે. કહેવાય છે કે, અત્યારે તે કેટલાક પ્રોજેક્ટ્સ પસંદ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

ટેલીવૂડ અને બોલીવૂડમાં ઘણાં લોકોને એવું લાગે છે કે તે સંસાર માંડવાની તૈયારીમાં છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તું લગ્નની તૈયારી કરી રહી છે કે પરિવાર તરફથી આ અંગે કંઈ દબાણ છે? આ અંગે તેણે કહ્યું કે, હું કયારેય એવું નથી માનતી લગ્ન એ સેફ્ટ-નેટ છે અથવા તો કોઈક કારણસર મારું કામ ધીમું પડે કે કામ ન કરું તો હું ત્યાંથી પાછી ફરી જાઉં એવું તો મને મારા વડીલોએ શીખવ્યું જ નથી. તેમના માટે અને મારા માટે હું જે કંઈ કરીશ એ સંપૂર્ણપણે મારું પોતાનું હશે. મેં મારા વ્યવસાયમાં અત્યાર સુધીમાં જે કંઈ મેળવ્યું છે એ મારું પોતાનું છે અને એ પણ કોઈપણ ગોડફાધર વગર. વડિલો ક્યારેય લગ્ન માટે કે કોઈ સારો છોકરો શોધી લે એવું કહેતા નથી.

પ્રાચી વધુમાં કહે છે કે, ‘મેં સ્ક્રીન પર ઘણી વાર લગ્ન કર્યાં છે, એ હું જાણું છું અને મારે એકવાર આવું કરવાનું છે, એ પણ હું જાણું છું. મારા માટે જે કોઈપણ હશે, તેણે સારી તૈયારી કરવી પડશે. હું મારી શરતે રહીશ અને હું મારી સ્વતંત્રતાને ચાહું છું. અને અત્યારે તો હું લગ્ન માટે એ કંઈ ત્યાગ કરવા ઇચ્છતી નથી. મારા મગજમાં એવું નથી કે હું થોડા જ વર્ષ સુધી લગ્ન નહીં કરું પણ ફરી કહું છું જ્યાં સુધી કોઈ એકલી વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી તો નહીં જ.’