ઑગસ્ટ અને ઑક્ટોબર 2019 વચ્ચે પાંચ મહિલા સેક્સ વર્કર્સ પર બળાત્કાર ગુજારનાર લંડનના ચેલ્સીના બૌફોર્ટ સ્ટ્રીટના 25 વર્ષીય સાજદ જમાલવતનને બળાત્કારના પાંચ કાઉન્ટ બદલ દોષિત ઠેરવી 19 વર્ષની કેદ અને લાઇસન્સ પર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. 14 દિવસની સુનાવણી બાદ આઇઝલવર્થ ક્રાઉન કોર્ટમાં સજા ફટકારવામાં આવી હતી.
સેન્ટ્રલ વેસ્ટ બેઝીક કમાન્ડ યુનિટની પબ્લિક પ્રોટેક્શન ટીમને આ તપાસ પૂરી કરવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો. નિષ્ણાત ઇન્વેસ્ટીગેટર્સ અને ફોરેન્સિક પ્રેક્ટિશનરોની મદદ લીધી હતી અને દેશ છોડી ગયેલી બ્રાઝિલિયન પીડિતાને યુકે પરત આવી પુરાવા આપવા પ્રોત્સાહિત કરી હતી. પોલીસે મોબાઇલ ફોનની માહિતી, સીસીટીવી ફૂટેજ, ચેરિટી નેશનલ અગ્લી મગને આવરી લઇ નોંધપાત્ર પુરાવા એકત્રીત કર્યા હતા.
જમાલવતન સેક્સ વર્કરનો સંપર્ક કરવા એસ્કોર્ટ વેબસાઇટનો ઉપયોગ કરતો અને ઘણી વાર તેમને ચેલ્સીના ફ્લેટમાં મળવા વિનંતી કરતો હતો. એકવાર મહિલાઓ ફ્લેટમાં આવી જાય પછી તે મોબાઇલ એપ દ્વારા પૈસા ચૂકવવાનું નાટક કરતો હતો. જો મહિલા પૈસા ન મળતા વિરોધ કરે તો તે હિંસક બનતો હતો. એક વખત તો તેણે યુવતી પર એક કલાક સુધી હુમલો કર્યો હતો. જમાલવતનની સેકેસ ઓફેન્ડર તરીકે નોંધણી કરાઇ છે અને તેની સામે સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર લાદવામાં આવ્યો છે જેથી તે ફરીથી સેક્સ વર્કરનો સંપર્ક કરી શકશે નહિ.