સાઉદી અરેબિયાએ રવિવાર સવારથી 11 દેશના નાગરિકો માટેના ટ્રાવેલ પ્રતિબંધ ઉઠાવી લીધા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે આ 11 દેશના નાગરિકોએ સાઉદી અરેબિયાની યાત્રા કરતી વખતે ક્વોરેન્ટાઈનની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. સાઉદી અરેબિયાએ હજુ પણ ભારત સહિત 9 દેશોના નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.
સાઉદી અરેબિયાએ જે 11 દેશોના મુસાફરોને છૂટ આપી છે જેમાં યુએઈ, જર્મની, અમેરિકા, આર્યલેન્ડ, ઈટલી, પોર્ટુગલ, યુનાઈટેડ કિંગ્ડમ, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાંસ અને જાપાનનો સમાવેશ થાય છે. સાઉદીની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ 11 દેશના મુસાફરોને રવિવાર એટલે કે 30 મેથી દેશમાં પ્રવેશની મંજૂરી મળશે.
સાઉદીએ જે 9 દેશના નાગરિકોની મુસાફરી પરનો પ્રતિબંધ ઉઠાવ્યો નથી તેમાં ભારત, પાકિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, તુર્કી, દક્ષિણ આફ્રીકા, લેબનોન, મિસ્ર અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. સાઉદી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 7 દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ ફરજિયાત પોતાના ખર્ચે પૂરો કરવો પડે છે. સાતમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે ત્યાર બાદ ક્વોરેન્ટાઈન ફેસેલિટી છોડવાની મંજૂરી આપવામાં આવે છે.