બોરિસ જૉન્સનના ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સે જણાવ્યું હતું કે લોકડાઉન વખતે કાઉન્ટી ડરહામની કરેલી વિવાદાસ્પદ સફર ફક્ત બાળ સંભાળનાં કારણોસર જ નહિં સુરક્ષાનાં કારણોસર કરી હતી.
સંસદસભ્યો સાથે વાત કરતાં શ્રી કમિંગ્સે કહ્યું હતું કે ‘’મારા ઘરની બહાર લોકોની ટોળકી દ્વારા મારી પત્નીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મેં મારા પરિવારને લંડનથી બહાર ખસેડ્યો હતો. તે વખતે આ બાબત જાહેર નહોતી કરી તે મારી એક ભયંકર ભૂલ હતી. આ એપિસોડ સરકાર માટે મોટી દુર્ઘટના સમાન હતો જેણે લોકોનો વિશ્વાસ ઓછો કર્યો હતો.’’
સ્પ્રિંગ 2020માં કોરોનાવાયરસ લૉકડાઉન દરમિયાન શ્રી કમિંગ્સે ડરહામની બહાર આવેલા તેમના ફેમિલી ફાર્મનો પ્રવાસ કર્યો હતો તે બહાર આવતા તેમને નોંધપાત્ર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે વખતે તેમણે એમ જણાવ્યું હતું કે તેમને અને પત્નીને કોવિડનો ચેપ લાગતા પુત્રની સંભાળ રાખી શકાય તે માટે તેમણે પારિવારિક ઘરની મુલાકાત લીધી હતી.
કમિંગ્સે કહ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ તેની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે “પરિવારના ઘરની બહાર એક ગેંગ આવી હતી અને તેઓ ઘરમાં ઘૂસીને અંદરના બધાને મારી નાખશે.”
કમીટીના અધ્યક્ષ જેરેમી હન્ટે પૂછ્યું હતું કે ‘’શું કાઉન્ટી ડરહામથી બર્નાર્ડ કાસલ સુધીની 30 માઇલની સફર તેની પત્નીના જન્મદિવસની ઉજવણી માટે હતી? જેના જવાબમાં કમિંગ્સે જણાવ્યું હતું કે તેઓ લંડન આવતાં પહેલા આંખો ચેક કરાવી લેવા માંગતા હતા.’’