ભારતમાં કૌભાંડ કરીને વિદેશમાં ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની અત્યાર સુધી કુલ રૂ.18,170.02 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તેમાંથી રૂ. 9,041.5 કરોડની સંપત્તિ જાહેર ક્ષેત્રોની બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે. આનાથી બેન્કોને કૌભાંડને કારણે થયેલા નુકસાનની વસૂલ કરવામાં મદદ મળશે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું.
આ ત્રિપુટીના બેન્કોમાં કુલ રૂ. 22,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જેમાંથી 40 ટકા રકમ રિકવર થઈ છે. આ ગતિવિધી અંગે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે ભાગેડુ અને આર્થિક ગુનેગારો સામે કાર્યકારી ચાલુ રહેશે, તેમની સંપત્તિ જપ્ત કરાઈ છે અને બાકી લેણાની વસૂલાત થઈ છે.
ઇડીએ જણાવ્યું હતું કે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાના કૌભાંડમાં બેન્કોએ ગુમાવેલા નાણામાંથી અત્યાર સુધી 40 ટકા રકમ વસૂલ કરવામાં આવી છે. બુધવારે જપ્ત કરવામાં આવેલા શેરના વેચાણથી આશરે રૂ.5,800 કરોડ મળ્યા હતા.
ઇડીએ જણાવ્યું હતું કે આ ત્રિપુટીએ તેમની કંપનીઓ મારફત ભંડોળની ઉચાપત કરીને સરકારી બેન્કો સાથે છેતરપિંડી કરી હતી. તેનાથી બેન્કોને કુલ રૂ.22,000 કરોડનું નુકસાન થયું હતું. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરીને કુલ રૂ.18,170.02 કરોડની કુલ સંપત્તિ જપ્ત કરી છે. તેમાં વિદેશમાં જપ્ત કરવામાં આવેલી રૂ.969 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે.
ઇડીએ જણાવ્યું હતું કે આ જપ્ત કરવામાં આવેલી સંપત્તિ બેન્કોને થયેલા કુલ રૂ.22,585.83 કરોડના નુકસાનની આશરે 80.45 કરોડ થાય છે. આમાંથી વિજય માલ્યાને ધિરાણ આપનારા એસબીઆઇના વડપણ હેઠળના કોન્સોર્ટિયમ વતી ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)એ બુધવારે યુનાઇટેડ બ્રુઅરિઝના રૂ.5,824.50 કરોડના શેર બુધવારે વેચ્યાં હતા. ઇડીએ આ જપ્ત કરેલા શેરો ડીઆરટીને ટ્રાન્સફર કર્યા હતા. 25 જૂન સુધીમાં વધુ રૂ.800 કરોડના શેરનું વેચાણ થવાની ધારણા છે.
ઇડીએ જણાવ્યું હતું કે 65 વર્ષીય વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણનો વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો છે અને તેને યુકે હાઇ કોર્ટે બહાલ કર્યો છે. યુકેની સુપ્રીમ કોર્ટમાં માલ્યાને અપીલની મંજૂરી મળી નથી તેથી માલ્યાનું ભારતમાં પ્રત્યાર્પણ અંતિમ તબક્કામાં છે. મોદી પણ પ્રત્યાર્પણ સામેનો કેસ હાર્યા છે અને છેલ્લાં 2.3 વર્ષથી લંડનની જેલમાં છે. 62 વર્ષીય મેહુલ ચોક્સી એન્ટિગુઆમાંથી 23મે લાપતા થયો હતો અને ડોમિનિકામાં દેખાયો હતો. ભારત મેહુલ ચોક્સીને ભારતમાં લાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીએ બેન્કોમાંથી લોન લઇને તેમને કરોડોનો ચૂનો લગાવ્યો હતો. તેમણે પોતાની કંપનીઓ દ્વારા બેન્કો સાથે ઠગાઈ કરી હતી અને તેનાથી બેન્કોને રૂ.22,586.83 કરોડનું નુકસાન થયું હતું. સીબીઆઈની એફઆઈઆર પ્રમાણે ઈડીએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી તથા દેશ-વિદેશમાં થયેલી લેવડ-દેવડ અને વિદેશોમાં રહેલી સંપત્તિની ભાળ મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ત્રણેયે પોતાના નિયંત્રણમાં રહેલી બોગસ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરી હતી.