આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલા નેતાઓ મહેશ સવાલી અને ઇસુદાન ગઢવીના કાફલા પર બુધવારે સાંજે જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં એક વ્યક્તિને ઇજા થઈ હતી. જોકે આપના નેતાએ દાવો કર્યો હતો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આપના નેતાઓ આ હુમલા માટે ભાજપના ગૂંડાને જવાબદાર ગણાવ્યા હતા.
પાર્ટીએ જણાવ્યું હતું કે આપ નેતાઓનો વિરોધ કરતા કેટલાંક લોકો કાળા ઝંડા લઈને ઊભા હતા અને તેમણે આપના નેતાઓના કાફલા પર લાડડીઓથી હુમલો કર્યો હતો. આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના સહસંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ઈશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર હુમલો થાય છે તો ગુજરાતમાં કોઈ જ સુરક્ષિત નથી. વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં બુધવારે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્યા હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે.