)

ભારતના કુલ 254 મિલિયોનેરે વર્ષ 2008માં ‘ગોલ્ડન વિઝા’ રૂટ ખુલ્યા બાદ બ્રિટનમાં  મોટુ રોકાણ કરી યુકેમાં સ્થાયી થવાનું પસંદ કર્યું હોવાનું યુકે સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી ચેરિટી સ્પોટલાઇટ ઓન કરપ્શન દ્વારા સોમવારે જાહેર કરાયેલા નવા અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલમાં કહેવાયું છે કે ટીયર વન (રોકાણકાર) વિઝા રૂટનો લાભ મેળવનારા સુપર રીચ લોકોમાં ભારતીયો સાતમા ક્રમે હતા. આ યાદીમાં ચીને ટોચનું સ્થાન મેળવ્યું હતું અને 4,106 લોકો બ્રિટનમાં સ્થાયી થયા હતા. ત્યારબાદ રશિયા (2,526), હોંગકોંગ (692), યુનાઇટેડ સ્ટેટ્સ (685), પાકિસ્તાન (283) અને કઝાકિસ્તાન (278) ભારત કરતા આગળ રહ્યા છે.

ભારત પછી સાઉદી અરેબિયા (223), ટર્કી (221) અને ઇજિપ્ત (206)નો ક્રમ હતો જેમને  યુકેમાં રહેવાના અધિકારને મંજૂરી આપતા વિઝા જારી કરાયા હતા.

“ગોલ્ડન વિઝા અંતર્ગત શ્રીમંત વ્યક્તિઓ જો યુકેમાં નોંધાયેલા કંપનીઓમાં 2 મિલિયન પાઉન્ડનું રોકાણ કરે તો તેમને ત્રણ વર્ષ માટે યુકેમાં રહેવાનો તાત્કાલિક હક મળે છે, ત્યારબાદ તેમાં બે વર્ષનો વધારો કરવામાં આવે છે. આ રૂટના ”રેડ કાર્પેટ ફોર ડર્ટી મની’ તરીકે ઓળખવામાં આવે છે.

જે લોકો 10 મિલિયન પાઉન્ડનું રોકાણ કરે તેમને બે વર્ષમાં અથવા 5 મિલિયન પાઉન્ડનું રોકાણ કરે તો તેમને ત્રણ વર્ષની અંદર અનિશ્ચિત મુદત સુધી રહેવા (ILR) માટે ફાસ્ટ ટ્રેક વિઝા મળે છે. તેના એક વર્ષ પછી યુ.કે. સીટીઝનશીપ મળી શકે છે.

હીરા વેપારી નીરવ મોદીએ યુકેમાં રોકાણકાર વિઝા પર 2015માં અરજી કરી હતી તેમ મનાય છે. તે વખતે 2-મિલિયન-પાઉન્ડના રોકાણના આધારે, યુકેમાં આ અધિકાર મળતો હતો.

સ્પોટલાઇટ ઓન કરપ્શનનો દાવો છે કે તમામ 6312 ગોલ્ડન વિઝા હોમ ઓફિસ દ્વારા “સંભવિત રાષ્ટ્રીય સુરક્ષાના જોખમો” માટે સમીક્ષા હેઠળ છે અને તેના કરતા આવા ડબલ વિઝા અપાયા છે.

સ્પોટલાઇટ ઓન કરપ્શનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુસાન હોવલીએ જણાવ્યું હતું કે “યુકેની ગોલ્ડન વિઝા રીજીમ યુકે માટે નોંધપાત્ર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનું જોખમ ઉભું કરે છે અને યુકેને કોઈ વાસ્તવિક લાભ થાય છે કે કેમ તેની સરકારે સ્વતંત્ર સમીક્ષા કરવાની રહેશે.’’

હોમ ઑફિસે જણાવ્યું છે કે, “ગંદા નાણાં રોકવા માટે 2015માં ટીયર 1 વિઝા રૂટમાં સુધારો કર્યો હતો અને જરૂરી હોય તો અમે વધુ ફેરફારો કરીશું.”