કેન્યાના નૈરોબીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલી વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં ભારતે રવિવાર (22 ઓગસ્ટ) સુધીમાં બે સિલ્વર અને એક બ્રોંઝ – એમ ત્રણ મેડલ હાંસલ કર્યા હતા, તો વધુ બે મેડલ ભારતીય સ્પર્ધકો સ્હેજમાં ચૂકી ગયા હતા.
ભારતની શૈલી સિંઘે મહિલાઓની લોંગ જમ્પમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. તેણે શાનદાર દેખાવ સાથે ૬.૫૯ મીટરનો કૂદકો મારી ૧૨ ખેલાડીઓની ફાઈનલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. તે માત્ર ૧ સેન્ટિમીટરના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી હતી. સ્વિડનની માજા એસ્કાગને ૬.૬૦ મીટરના કૂદકાના પગલે ગોલ્ડ મેડલ તથા યુક્રેનની મારિયા હોરિલોવાને ૬.૫૦ મીટરના કૂદકા સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
શૈલીની આ પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે અને તેણે સિલ્વર મેડલ હાંસલ કરી લીધો છે.એ અગાઉ અમિત ખત્રીએ ૧૦ કિમીની વૉકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અમિતે ૪૨ મિનિટ અને ૧૭.૯૪ સેકન્ડમાં ૧૦ કિલોમીટરની આ વૉક રેસ પુરી કરી બીજું સ્થાન મેળવ્યું હતુ. કેન્યાના હેરિસ્ટોન વાન્યોન્યીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતનો અમિત ખત્રી તેના કરતાં ફક્ત ૭.૧૦ સેકન્ડ પાછળ રહ્યો હતો.
૧૭ વર્ષનો અમિત ખત્રી ૧૦ કિમીની વૉક રેસમાં નેશનલ રેકોર્ડ ધરાવે છે. તેણે આ વર્ષે સિઝનનો સર્વશ્રેષ્ઠ દેખાવ પણ કર્યો છે. અમિત શરૃઆતના નવ હજાર મીટર તો પ્રથમ ક્રમે હતો પણ, આખરી બે લેપ બાકી હતા, ત્યારે કેન્યન એથ્લીટ હેરિસ્ટોને તેને પાછળ રાખી દીધો હતો. સ્પેઈનનો પોલ મેક્ગ્રા ૪૨ મિનિટ ૨૬.૧૧ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ વિજેતા રહ્યો હતો.
ભારતની ૪ x ૪૦૦ મીટરની મિક્સ રીલે ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ભરત શ્રીધર, પ્રિયા મોહન, સુમ્મી અને કપિલની ટીમે શાનદાર દેખાવ સાથે ત્રણ મિનિટ ૨૦.૬૦ સેકન્ડમાં જ રેસ પુરી કરીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતુ. નાઈજીરિયાની ટીમે એ ત્રણ મિનિટ ૧૯.૭૦ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ અને પોલેન્ડની ટીમે ત્રણ મિનિટ ૨૦.૬૦ સેકન્ડના સમય સાથે સિલ્વર મેળવ્યો હતો.
ભારતીય મહિલા રિલે ટીમ ચોથા ક્રમે
૪ x ૪૦૦ મીટની રીલેમાં જ ભારતીય મહિલા ટીમ ૩.૨૭ સેકન્ડથી મેડલ ચૂકી ગઈ હતી અને ચોથા ક્રમે રહી હતી. ભારતીય રીલે ટીમ તરફથી પાયલ વોહરા, સુમ્મી, રજીથા કુન્જા અને પ્રિયા મોહને સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેઓએ ત્રણ મિનિટ ૪૦.૪૫ સેકન્ડમાં રેસ પુરી કરી હતી. આ ઈવેન્ટમાં બ્રોન્ઝ હાંસલ કરનારી ઈટાલીની ટીમે ૩ મિનિટ ૩૭.૧૮ સેકન્ડમાં રેસ પુરી કરી હતી.
ટ્રીપલ જમ્પમાં ડોનાલ્ડ માકીમૈરાજ મેડલ ચૂક્યો\
ભારતનો ડોનાલ્ડ માકીમૈરાજ પુરુષોની ટ્રીપલ જમ્પ સ્પર્ધામાં સ્હેજ માટે મેડલ ચૂક્યો હતો અને ચોથા ક્રમે રહ્યો હતો. તેણે ૧૫.૮૨ મીટરનું અંતર પ્રાપ્ત કર્યું હતુ. જ્યારે ફ્રાન્સના બ્રોન્ઝ મેડલ વિજેતા સિમોન ગોરેએ ૧૫.૮૫ મીટરનું અંતર હાંસલ કર્યું હતુ.
પ્રિયા મોહન 400 મીટર રેસમાં ચોથા ક્રમે
પ્રિયા મોહન મહિલાઓની ૪૦૦ મીટર રેસની ફાઈનલમાં ફક્ત 0.54 સેકન્ડ પાછળ રહેતાં મેડલ ચૂકી હતી અને ચોથા ક્રમે રહી હતી. તેણે ૫૨.૭૭ સેકન્ડમાં રેસ પુરી કરી હતી. નાઈજીરીઆની ઈમાઓબોંગ એન્સે યુકો ૫૧.૫૫ સેકન્ડમાં રેસ પુરી કરી ગોલ્ડ મેડલ તથા પોલેન્ડની કોર્નેલિયા લેસિવિઝ ૫૧.૯૭ સેકન્ડ સાથે સિલ્વર અને કેન્યાની સિલ્વીયા ચેલાન્ગાટ ૫૨.૨૩ સેકન્ડના સાથે બ્રોન્ઝ મેડલ વિજેતા રહી હતી.
કોરોનાને કારણે અમેરિકા સહિત ટોચના દેશો ગેરહાજર
કેન્યાની રાજધાનીમાં શરૃ થયેલી વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૧૧૭ દેશો તેમજ બે સ્વતંત્ર ટીમો ભાગ લઈ રહી છે. અલબત્ત, કોરોના મહામારીને પગલે અમેરિકા, ગ્રેટ બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ન્યૂઝિલેન્ડ તેમજ નોર્વે જેવા દેશોએ તેમના ખેલાડીઓને આ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મોકલ્યા નથી. છેલ્લે અંડર-૨૦ વર્લ્ડ એથ્લેટિક્સ ૨૦૧૮માં યોજાઈ હતી. તે સમયે મેડલ ટેલિમાં ટોપ-૧૦માં રહેલા દેશોમાંથી અડધાથી વધુ દેશો આ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ખસી ગયા છે.