કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું શ્રીનગરમાં બુધવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. સૈયદ અલી શાહ ગિલાનીના નિધનને પગલે કાશ્મીર ઘાટીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.
કાશ્મીરી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર, 1929એ થયો હતો. તેઓ જમ્મુ-કાશ્મીરમાં એક પાકિસ્તાની સમર્થક કાશ્મીરી અલગતાવાદી નેતા તરીકે જાણીતા હતા. તેઓ પહેલા જમાત-એ-ઈસ્લામી કાશ્મીરના સભ્ય હતા, પરંતુ બાદમાં તહરીક-એ-હુર્રિયતની સ્થાપના કરી હતી.
તેઓ જમ્મુ-કાશ્મીરમાંઓલ પાર્ટી હુર્રિયત કોન્ફ્રન્સના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ 1972, 1977 અને 1987માં જમ્મુ-કાશ્મીરના સોપોરથી ધારાસભ્ય પણ રહ્યા હતા. જોકે, તેમણે જૂન 2020માં હુર્રિયત છોડી દીધું હતું. ગિલાનીને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું હતું.