ગુજરાતમાં મોબાઇલ ફોન ગ્રાહકોની સંખ્યા રાજ્યની કુલ વસતિ કરતાં વધી ગઈ છે. રાજયમાં મોબાઇલ ફોન ગ્રાહકોની સંખ્યા જૂનમાં 7 કરોડને પાર કરી ગઈ છે. આની સામે રાજ્યની વસતી 6.1 કરોડ (2011ની વસ્તી ગણતરી મુજબ) છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા બહાર પાડવામાં આવેલા ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જૂનમાં ગ્રાહકોની સંખ્યા 7 કરોડનો આંકડો પાર કરી ગઈ હતી. માત્ર જૂન મહિનામાં મોબાઇલ ફોન ગ્રાહકોની સંખ્યામાં 2.78 લાખનો વધારો થયો હતો. તેનાથી ગુજરાતમાં ટેલી-ડેન્સિટી (પ્રતિ 100ની સંખ્યા પર મોબાઈલ સબ્સ્ક્રાઈબરની સંખ્યા) 114 થઈ ગઈ છે. ટેલી ડેન્સિટીના સંદર્ભમાં ભારતમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.
રાજ્યોમાં લોકો મલ્ટિપલ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોબાઈલ સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં વધારો મુખ્યત્વે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસ અને નાના-મોટા ધંધાને ફરીથી શરૂ કરવા પાછળ જવાબદાર છે.

આ વર્ષના જૂનમાં, ભારતી એરટેલને આશરે 97,526 નવા સબ્સ્ક્રાઈબર, જ્યારે રિલાયન્સ જિઓને 5.43 સબ્સ્ક્રાઈબર મળ્યા હતા. બીજી તરફ Vis 2.37 લાખ સબ્સ્ક્રાઈબર તો રાજ્યની પોતાના ટેલિકોમ ઓપરેટર બીએસએનએલે 1.24 લાખ સબ્સ્ક્રાઈબર ગુમાવ્યા હતા. આમ, એકંદરે કુલ સબ્સ્ક્રાઈબરની સંખ્યા વધી છે.