ગણેશોત્સવના છેલ્લાં દિવસે રાજ્યભરમાં રવિવારે અનંત ચૌદશે વિધ્નહર્તા ભગવાન ગણેશની પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદી વાતાવરણ વચ્ચે સવારથી ભગવાન ગણેશજીને વિદાય આપવાનું ચાલુ થયું હતું. અમદાવાદ સહિત મોટા શહેરોમાં વિવિધ સ્થળો પર ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી હતી અને નદીઓમાં મૂતિ પધારવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આની જગ્યાએ ગણેશ વિસર્જન માટે ખાસ કૂંડ બનાવવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સાબરમતી નદીમાં મૃર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા હતા. 10 દિવસ પૂજા કર્યા બાદ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે બાપ્પાની વિદાય થઇ હતી.. અમદાવાદના રિવરફ્રન્ટ પર 41 કૃત્રિમ કૂંડ તૈયાર કરાયા હતા. સુરત મનપા દ્વારા 19 કૃત્રિમ તળાવો બનાવાયા હતા. તાપી નદીમાં વિસર્જનની પરવાનગી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત 2 ફૂટની મૂર્તિ ઘરે જ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી. સુરતના અલગ અલગ 8 ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવાયા હતા.
વડોદરા શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે 600 જેટલા મંડળો સહિત ઘરે સ્થાપન કરેલી બાપ્પાની 5 હજાર જેટલી પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન થયું હતું. શહેરના 50 જેટલા નાના-મોટા મંડળો તેમજ ઘરે સ્થપાયેલી 10 હજારથી વધુ પ્રતિમાઓનું ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી વિસર્જન થયું હતું. પોલીસ દ્વારા પણ લોકોને પોતાની સોસાયટીઓમાં કે ઘરોમાં જ પ્રતિમાઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી.