ભારત ખાતેના અમેરિકાના દુતાવાસે જણાવ્યું હતું કે કોરોના સંબંધિત અવરોધમાંથી ફરી બેઠા થઈ રહ્યા હોવાથી નોન ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીઝ માટે વિઝા એપોઇમેન્ટમાં નોંધપાત્ર વેઇટિંગ સમય લાગી શકે છે. દૂતાવાસે જણાવ્યું હતું કે નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ નીતિ હેઠળ આઠ નવેમ્બરથી ભારતમાંથી અંદાજે 30 લાખ વિઝા હોલ્ડર્સ વેક્સિનેશનના પ્રૂફ સાથે અમેરિકાનો પ્રવાસ કરી શકશે.
દૂતાવાસે જણાવ્યું હતું કે આપણા મજબૂત અને વધતા જતાં દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને કાયદેસરના ટ્રાવેલને મંજૂરી અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે કોરોના સંબંધિત અવરોધમાંથી રિકવર થઈ રહ્યા હોવાથી અમારી એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ ખાતે કેટલીક નોન ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીઝ માટે એપોઇમેન્ટ્સનો સમય નોંધપાત્ર પ્રમાણમાં લાંબો હોઇ શકે છે. અમેરિકાના મિશનને લોકોનો તેમની ધીરજ બદલ આભાર માનીને જણાવ્યું હતું કે અમે અમારી કેપેસિટીમાં વધારો કરવાની તથા અમારા અરજદારો અને સ્ટાફની સુરક્ષા જાળવી માટે કામગીરી કરી રહ્યાં છીએ.
વેક્સિનેશનની જરૂરિયાત અંગે વિગત આપતા અમેરિકાના દૂતાવાસે જણાવ્યું હતું કે આઠ નવેમ્બરથી અમેરિકામાં વિદેશી લોકોના એર ટ્રાવેલર્સ કોવિડ-10 સામે સંપૂર્ણ વેક્સિનેટેડ હોવા જોઇએ તથા અમેરિકામાં ઉડ્ડયન કરતાં વિમાનમાં બેસતા પહેલા વેક્સિનેશનનું પ્રૂફ આપવું પડશે.
અમેરિકાની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા સેન્ટર્સ ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ નિર્ધારિત કર્યું છે કે અમેરિકામાં એન્ટ્રી માટે એફડીએએ માન્ય કરેલી અથવા વિશ્વ આરોગ્ય સંગઠને ઇમર્જન્સી યુઝની મંજૂરી આપી હોય તેવી વેક્સિન સ્વીકાર્ય છે. આનો અર્થ એવો થાય છે કે અમેરિકાની એફડીએએ માન્ય કરેલી અથવા વિશ્વઆરોગ્ય સંસ્થાએ માન્ય કરેલી વેક્સિન લીધેલી હોવી જોઇએ.