(Photo by Tafadzwa Ufumeli/Getty Images)

ઓસ્ટ્રેલિયાની સરકારે સોમવારે ભારત બાયોટેકની કોરોના રસીને કોવેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂરી આપવામાં નથી આવી પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે તેને માન્ય વેક્સિન તરીકેની યાદીમાં સામેલ કરી દીધી છે. ભારતમાં રસીકરણ અભિયાન માટે કોવેક્સિન અને એસ્ટ્રાઝેનેકાની સીરમ ઉત્પાદિત કોવિશિલ્ડનો ઉપયોગ થાય છે.

ઓસ્ટ્રેલિયાના થેરેપાટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ વેક્સિનની અસરકારકતાની તપાસ કરી હતી ત્યાર બાદ મંજૂર આપી છે. તપાસમાં વેક્સિનની સુરક્ષા, ક્વોલિટી અને ઇફેક્ટિવનેસને લઇને તપાસ કરવામાં આવી હતી. ટ્રાવેલર્સના વેક્સિન સ્ટેટસની જાણકારી મેળવવાના હેતુ માટે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ ચીનની સિનોફાર્મની BBIBP-CorV વેક્સિનને પણ મંજૂરી આપી છે.

ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનને ઓસ્ટ્રેલિયાએ મુસાફરોના વેક્સિનેશનના સ્ટેટસ માટે મંજૂરી આપી દીધી છે. ટીજીએ દ્વારા દુનિયાભરની કેટલીય રસીને માન્યતા આપવામાં આવી છે જેમાં ભારની અગાઉ ભારતની કોવિશિલ્ડને માન્યતા આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર બેરી ઓ ફારેલએ આ અંગે માહિતી આપી છે.