ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવાર, 3 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમની ટોચ ઉછાળ્યા બાદની તસવીર (ANI Photo)

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવાર, 3 ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થયો છે. ભારતીય ટીમનો ઉપસુકાની અજિંક્ય રહાણે ઈજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા તથા ઝડપી બોલર ઈશાન્ત શર્મા પણ ઈજાના કારણે બીજી મેચમાંથી બહાર થઈ ગયા છે.

મુંબઈમાં વરસાદ હોવાના કારણે આઉટફિલ્ડ ભીની હોવાથી ટોસમાં વિલંબ થયો હતો. લંચ સમયે ટોસ ઉછાળવામાં આવ્યો હતો અને ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે ફિલ્ડિંગ દરમિયાન રહાણેને હામસ્ટ્રિંગની ઈજા થઈ હતી. તે સંપૂર્ણ પણે ઈજામુક્ત થયો નથી જેના કારણે તે મુંબઈમાં બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઝડપી બોલર ઈશાન્ત શર્માને ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ છે જેના કારણે તે પણ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે, કાનપુર ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં તેના સમાવેશ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

જોકે, ટીમ માટે સૌથી મોટો ફટકો રવિન્દ્ર જાડેજાનું ઈજાગ્રસ્ત થવું છે. બોર્ડે જણાવ્યું છે કે, કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ડાબા ફોરઆર્મમાં ઈજા થઈ હતી. તેનો સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું હતું કે તેના ફોરઆર્મમાં સોજો છે. તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી અને તેના કારણે તે પણ બીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. નોંધનીય છે કે જાડેજાએ કાનપુર ટેસ્ટમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરવા ઉપરાંત પ્રથમ દાવમાં અડધી સદી પણ ફટકારી હતી. બીજી તરફ ઉપસુકાની અજિંક્ય રહાણેનું કંગાળ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. કંગાળ ફોર્મના કારણે ટીમમાં તેનું સ્થાન પણ જોખમમાં આવી ગયું છે. આ ઉપરાંત મિડલ ઓર્ડર બેટર ચેતેશ્વર પૂજારા પર પણ હવે દબાણ આવી ગયું છે કેમ કે છેલ્લા ઘણા સમયથી તે પણ ફોર્મમાં જોવા મળી રહ્યો નથી.