બિહારમાં હાજીપુરની કોર્ટમાં સોમવારે બોલિવૂડના સ્ટાર ખાન શાહરુખ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર વખતે બોલિવૂડની હસ્તીઓ પણ હાજર રહી હતી. તે સમયે શાહરુખ ખાને લતા મંગેશકરના પાર્થિવ દેહ આગળ ઉભા રહીને દુઆ પઢી હતી અને પછી ફૂંક મારી હતી. શાહરુખ ખાનની આ પ્રાર્થનાનો ઘણાં લોકો વિરોધ કરી રહ્યા છે અને તે જ માટે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે સોસિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચા થઈ હતી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ છે. શાહરુખ વિરુદ્ધ કેસ દાખલ કરનારા હાજીપુરના આર્યન સિંહે જણાવ્યું કે, મને ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે. મને ન્યાય મળશે. આર્યન સિંહ તરફથી એડવોકેટર રમેશ સિંહ ચંદેલે ફરિયાદ દાખલ કરાવી છે. વકીલ રમેશ સિંહના જણાવ્યા અનુસાર આ ફરિયાદ આઈપીસીની કલમ 295, 295એ, 500 અને 504એ અંતર્ગત દાખલ કરવામાં આવી છે.