ભારતના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ) અને હિમાયલના એક અજ્ઞાત ‘યોગી’ વચ્ચેના કથિત સનસનીખેજ કનેક્શનનનો સેબીના તપાસ અહેવાલમાં તાજેતરમાં પર્દાફાશ થયો હતો. આ યોગી જ ભારતના સૌથી મોટા શેરબજારને ચલાવતા હોવાનો મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ તેને એક વિગતવાર અહેવાલમાં આરોપ મૂક્યો છે.
આવકવેરા વિભાગે NSEના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચિત્રા રામકૃષ્ણના મુંબઈ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે દરોડા પાડ્યા હતા. તેમના પર હિમાલયના એક રહસ્યમય આધ્યાત્મિક ગુરૂ સાથે શેરબજારની કથિત રીતે ગોપનીય જાણકારીની આપ-લે કરવાનો આરોપ છે. ચિત્રા રામકૃષ્નન 2013થી 2016 સુધી એનએસઇના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ હતા અને પછી ‘વ્યક્તિગત કારણોસર’ રાજીનામું આપ્યું હતું.
અગાઉના ભારતના મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ 11 ફેબ્રુઆરીએ રામકૃષ્ણને રૂ. 3 મિલિયનની પેનલ્ટી ફટકારી હતી અને ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. ચિત્રા પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યનની નિયુક્તિમાં અનિયમિતતા કરવાનો પણ આરોપ છે. આ અધિકારની નિમણુક પણ કથિત યોગીના ઇશારે થઈ હતી. સેબીએ નોંધ્યુ કે, ‘અજાણ્યા યોગી’ સાથે ચિત્રા રામકૃષ્ણનું જોડાણ નાણાં બનાવવાની સ્કીમ હોવાનું સ્પષ્ટ દેખાય છે.
સેબીના આદેશમાં જણાવાયું છે કે આ ગુરુ સમગ્ર શેરબજારનું સંચાલન કરતા હતા અને ચિત્રા રામક્રિષ્ના આ ગુરુના હાથની કઠપૂતળી હતા. સેબીની તપાસમાં ચિત્રાએ ખુલાસો કર્યો હતો કે, તે શેરબજાર અંગે હિમાલયના એક અજ્ઞાત યોગી પાસેથી સલાહ-સૂચનો મેળવતા હતા. રામકૃષ્ણ કથિત રીતે હિમાલયમાં રહેતા તે યોગીને ‘શિરોમણી’ કહીને બોલાવે છે. ચિત્રા રામકૃષ્ણ અને ‘યોગી વચ્ચે ઇ-મેલથી છેલ્લા 20 વર્ષથી વાતચીત થતી હતી. એનએસઇ વિરુદ્ધ સેબીના 190 પાનાના આદેશમાં ‘અજ્ઞાત વ્યક્તિ’ શબ્દનો 238 વાર ઉલ્લેખ કરાયો છે. સેબીના આદેશમાં જણાવ્યા મુજબ ચિત્રા રામકૃષ્ણ ઈ-મેઈલ એડ્રેસ પર આ અજાણી વ્યક્તિને સ્ટોક એક્સચેન્જનું માળખું, નાણાકીય પરિણામો, ડિવિડન્ડ રેશિયો, બિઝનેસ પ્લાન્સ, બેઠકોના મુખ્ય એજન્ડા અને હ્યુમન રિસોર્સ પોલિસી જેવી એક્સચેન્જની ગોપનીય માહિતી આપતા અને તેના વિશે ચર્ચા કરતા હતા. તેઓ આ અદ્રશ્ય યોગીને ‘શિરોમણી’ કહે છે.
ચિત્રા રામકૃષ્ણને એપ્રિલ 2013માં એનએસઇના એમડી અને સીઇઓ બનાવાયા હતા અને તેમને દિલ્હીના એક વગદાર રાજકારણીનો સપોર્ટ હોવાનું માનવામાં આવે છે. એનએસઇમાં કો-લોકેશન અને અલ્ગો ટ્રેડિંગ કૌભાંડ પણ થયું હતું અને તેનાથી એનએસઇ આઇપીઓ સામે અવરોધ ઊભો થયો હતો. આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં સત્તાનો દુરુપયોગ કરવા બદલ રામકૃષ્ણને ડિસેમ્બર 2016માં એનએસઇમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા