(Photo by STRINGER/AFP via Getty Images)

એક સમયે બોલિવૂડમાં તબ્બુ અને અજય દેવગનની જોડીએ ખૂબ જ ધૂમ મચાવી હતી. હવે તે બંને લાંબા સમય પછી ફરીથી સાથે ફિલ્મમાં જોવા મળશે. તબ્બુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેણે નવી ફિલ્મ ‘ભોલા’નું શૂટિંગ શરૂ કર્યું છે, જે તમિલ સુપરહિટ ફિલ્મ કૈથીની હિન્દી રીમેક છે. તબ્બુએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના ક્લેપબોર્ડ સાથેનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. અજય દેવગન આ ફિલ્મમાં એક્ટર ઉપરાંત પ્રોડ્યુસર પણ છે.

વર્ષ 2020માં જ અજય દેવગને જાહેરાત કરી હતી કે, તે કૈથીની હિન્દી રીમેક બનાવશે. આ ફિલ્મને અજયના પિતરાઇ ભાઇ ધર્મેન્દ્ર શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે. તબ્બુ અને અજય દેવગને સાથે વિજયપથ, હકીકત, ગોલમાલ અગેઈન, દૃશ્યમ, દે દે પ્યાર દે જેવી ઘણી સુપરહિટ ફિલ્મ આપી છે. દૃશ્યમ 2નું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. અજય દેવગન છેલ્લે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં દેખાયા હતા. તેમની અપકમિંગ ફિલ્મમાં RRR, થેંક ગોડ, મેદાન અને રનવે34નો સમાવેશ થાય છે. રેડ 3 અને સિંઘમ 3નું શૂટિંગ પણ ઝડપથી શરૂ કરવાનો પ્લાન છે.