મહારાણી એલિઝાબેથ બીજા વિન્ડસર ખાતે ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઇસ્સાર કુમારને વિડિયો-લિંક દ્વારા વર્ચ્યુઅલી મળ્યા હતા. સુશ્રી કુમારે મહારાણી સમક્ષ પોતાનું ઓળખપત્ર રજૂ કર્યુ હતું.
મહારાણીએ મંગળવારે તા. 8ના રોજ બકિંગહામ પેલેસ આવેલા ભારતના હાઈ કમિશનર અને આર્મેનિયાના રાજદૂતનું વિન્ડસરથી અભિવાદન કરી વિડિયો-લિંક દ્વારા તેમની સાથે વાત કરી હતી.
95-વર્ષીય મહારાણીએ વાઇબ્રન્ટ નારંગી ડ્રેસ પહેર્યો હતો. જ્યારે ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમારે પરંપરાગત ભારતીય સાડી પહેરી નમસ્તે કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
મહારાણીએ તે વખતે આર્મેનિયાના રાજદૂત વરુઝાન નર્સેસ્યાનું સ્વાગત કરી તેમની સત્તાવાર ફરજો ચાલુ રાખી હતી.
તે પહેલા સોમવારે તા. 7ના રોજ રાણીએ કોવિડનો ચેપ લાગ્યા બાદ પ્રથમ વખત કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. શ્રી ટ્રુડોએ ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાણી “હંમેશની જેમ સમજદાર હતા.’’ તેમણે પાછળથી ટ્વિટ કર્યું: “રાણી એલિઝાબેથ II ને જોવા હંમેશા અદ્ભુત છે. જ્યારે અમે વિન્ડસર કાસલ ખાતે મળ્યા હતા, ત્યારે અમે વૈશ્વિક બાબતો, યુક્રેનની પરિસ્થિતિ અને કેનેડા અને કોમનવેલ્થમાં હર મેજેસ્ટીની આજીવન સેવા સહિત વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી.”
વિન્ડસર ખાતે પ્રેક્ષકો દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફમાં રાણી અને શ્રી ટ્રુડોની પાછળ યુક્રેનિયન ધ્વજના રંગો દર્શાવતો વાદળી અને પીળા ફૂલોનો મોટો ગુલદસ્તો દેખાતો હતો. જે યુક્રેનના લોકો માટે રાણીના સમર્થનના પ્રતીક તરીકે જોવામાં આવ્યો હતો.