ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ આગામી પાંચ વર્ષમાં ભારતમાં પાંચ ટ્રિલિયન યેન (રૂ.3.2 લાખ કરોડ- $42 બિલિયનના)ના રોકાણ લક્ષ્યાંકની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં દ્વિપક્ષીય વેપાર સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જાપાને આગામી પાંચ વર્ષમાં ભારતમાં રૂ.3.20 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક બનાવ્યો છે અને અમે અમારા સહકારને વધુ મજબૂત બનાવીશું. ભારતે મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ઇલેક્ટિક વ્હિકલ અને બેટરીના ઉત્પાદન માટે આશરે 1.4 બિલિયન ડોલરના રોકાણ માટે જાપાનની સુઝુકી મોટરના યુનિટ્સ સાથે સમજૂતી કરી હતી. જોકે આ રોકાણ 5 ટ્રિલિયન યેનના કુલ રોકાણ પૈકીનું છે કે અલગ તે સ્પષ્ટ નથી.
2014માં ભારત અને જાપાન વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પાર્ટનરશીપ થઈ હતી, જેમાં બંને દેશો 2014થી 2019 વચ્ચે જાપાનના 3.5 ટ્રિલિયન યેનના રોકાણ માટે સંમત થયા હતા.બંને દેશોએ ઇન્ડો સ્પેસિફિક રિજનમાં સહકારમાં વધારો કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભારતમાં જાપાનનું સીધું રોકાણ ખાસ કરીને ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, ટેલિકોમ્યુનિકેશન્સ, કેમિકલ્સ અને ફાર્મા ક્ષેત્રમાં રહ્યું છે. 2000 પછીથી ભારતમાં જાપાનનું રોકાણ 27.28 બિલિયન ડોલર થયું છે.
2020માં બંને દેશોએ એક્વિઝિશન એન્ડ ક્રોસ સર્વિસિસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરક્યા હતા. આ સમજૂતી હેઠળ બંને દેશો સંરક્ષણ દળો વચ્ચે ફૂડ, ફ્યુઅલ અને બીજા સપ્લાયના માટે પરસ્પર વ્યવસ્થા કરી શકે છે.