ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રવિવારે (3 એપ્રિલ) મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 71 રન હરાવે રેકોર્ડ સાતમીવાર કપ હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પાંચમીવાર ચેમ્પિયન બનતા રહી ગઈ હતી.
ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ લેવાનું નક્કી કર્યું હતું.વિકેટકીપર બેટર એલીસા હીલીએ 138 બોલમાં ધમાકેદાર 170 રન જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો, તેમાં સાથી ઓપનર રાચેલ હેઈન્સે 68 અને પછી બેથ મુનીએ 62 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ જ 160 રન અને પછી પહેલી વિકેટની જોડીએ 156 રનની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડની અન્યા શ્રબસોલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી અને 38 રનમાં તેણે બે વિકેટ ગુમાવી હતી. નેટ સ્કિવરે અણનમ 158 કર્યા હતા, પણ તે એકલી લડતી રહી હતી, સામે છેડે વિકેટો પડતી રહી હતી. તેના સિવાય કોઈ ઈંગ્લેન્ડની બેટર 30 રન સુધી પહોંચી શકી નહોતી. જો કે, પાંચ બેટરે 20 થી વધુ રન કરી ટીમને થોડા સંતોષજનક સ્કોર સુધી લઈ જવામાં સહાય કરી હતી, પણ ઈંગ્લેન્ડની ટીમ 43.4 ઓવર્સમાં જ 285 રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જેસ જોનાસેન તથા અલાના કિંગે 3-3 વિકેટ લીધી હતી.એલીસા હીલીને પ્લેયર ઓફ ધી મેચ અને સીરીઝનો એવોર્ડ અપાયો હતો.