ભારતીય વિદ્યાર્થીઓ માને છે કે કોવિડ-19 મહામારીને કારણે યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ ખોરવાયો હતો. પરંતુ હવે જ્યારે યુનિવર્સિટીના કેમ્પસ ફરીથી વિદ્યાર્થીઓથી ધમધમતા થયા છે ત્યારે મોટાભાગના લોકોના માનસિક આરોગ્ય સુધારો થયો હોવાનું એક નવા સર્વેમાં જાણવા મળ્યું છે.
બિન નફાકારક શૈક્ષણિક ટેકનોલોજી કંપની-ચેગ દ્વારા ગુરુવારે પ્રકાશિત કરવામાં આવેલા ‘ગ્લોબલ સ્ટુડન્ટ સર્વે 2022’ના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, ત્રણ ચતુર્થાંશ (77 ટકા) ભારતીય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ મહામારીને કારણે તેમનો કોલેજ અને યુનિવર્સિટીનો અનુભવ બરબાદ થયો હતો. આ સર્વે 21 દેશોમાં કરવામાં આવ્યો હતો.
55 ટકાની આસપાસના ભારતીય વિદ્યાર્થીઓએ જાહેર કર્યું હતું કે, કેમ્પસમાં આવ્યા પછી અથવા લોકડાઉનના પ્રતિબંધો પૂર્ણ થયા પછી તેમનું માનસિક આરોગ્ય સુધરી ગયું છે તેવું તેઓ અનુભવી રહ્યા છે, જે સર્વેક્ષણ કરાયેલા દેશોમાં ઓસ્ટ્રેલિયા (60 ટકા) પછી બીજા સ્થાને છે.
ચેગના પ્રેસિડેન્ટ અને સીઇઓ ડેન રોસન્સવીગે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ જગતમાં સૌથી મોટી અડચણોના અનુભવ પછી કોલેજના વિદ્યાર્થીઓ હવે શૈક્ષણિક કાર્યમાં ફરીથી નિયમિત થઇ રહ્યા છે. આ સમયે તેઓ અસમાનતા બાબતે વધતી જતી ઓટોમેશન અને જળવાયુ પરિવર્તન સહિત ગાઢ સામાજિક પડકારોનો સામનો કરે છે. આ નવા વૈશ્વિક અભ્યાસમાં, અંડરગ્રેજ્યુએટ્સને તેમની આશાઓ, ડર અને માનસિક પરિસ્થિતિ અંગે પૂછવામાં આવ્યું હતું. અમે માનીએ છીએ કે પરિણામ આપતા આંકડાઓ સરકારો, વ્યવસાય અને ઉચ્ચ શિક્ષણને કોરોનાના આ યુગમાં અને તેમના પછીના વિદ્યાર્થીઓને વધુ સારી રીતે મદદ કરી શકશે.’
જ્યારે અંદાજે 10માંથી ત્રણ (27 ટકા) ભારતીયોએ જણાવ્યું હતું કે, તેઓ હવે કોવિડ-19 મહામારીના વાતાવરણમાં કોલેજ અથવા યુનિવર્સિટીમાં જવા માટે પસ્તાવો કરે છે, જે સર્વે કરાયેલા કોઈપણ દેશમાં તુર્કી (29 ટકા) પછી બીજા સ્થાને છે.
આ અંગે રોસન્સવીગે વધુમાં જણાવ્યું હતું કે, આ તારણોમાં સ્પષ્ટ રીતે જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબ ઉચ્ચ શિક્ષણ વધુ અનુકૂળ, પોષાય તેવું અને પ્રતિસાદરૂપ બનવું જોઇએ. વિશેષમાં તો વિદ્યાર્થીઓને સ્વસ્થ માનસિક આરોગ્ય માટે મદદ કરવા, કારકિર્દીમાં ભવિષ્યમાં ઉપયોગી કૌશલ્યો શીખવા અને પર્યાવરણ અંગેની તેમની ચિંતાઓ અંગે પ્રતિભાવ આપવા માટે તેમને યુનિવર્સિટીની મદદની જરૂર છે. આવી સહાય કરવાથી, આપણે આ પેઢીને ભવિષ્યના વિશ્વાસ સાથે તેનો સામનો કરવામાં મદદ કરી શકીએ છીએ.
આ સર્વેના તારણો અગાઉ પોપ્યુલસના નામે જાણીતા યોન્ડર- દ્વારા કરવામાં આવેલા ગહન અભિપ્રાય આધારીત છે. જેમાં ભારતના 1,008 વિદ્યાર્થીઓ સહિત વિશ્વના 21 દેશોના 18-21 વર્ષની ઉંમરના 17 હજારથી વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા.