એશિયા કપ ટી-૨૦ની ફાઇનલમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રવિવાર, 28 સપ્ટેમ્બરે બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન તરીકેના બેવડો તાજ ધરાવતું ભારતે આ ટુર્નામેની બે મેચમાં પાકિસ્તાનને આસાનથી હરાવ્યું છે અને ફાઇનલ માટે પણ પ્રબળ દાવેદાર ગણાય છે.
એશિયા કપ-૨૦૨૫માં ગ્રુપ સ્ટેજ અને સુપર ફોરમાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં ભારતીય ટીમ અજેય રહી છે. યુવા અને આક્રમક ખેલાડીઓનું જબરજસ્ત મિશ્રણ ધરાવતી ટીમ ઈન્ડિયાના વિજય રથને અટકાવવો પાકિસ્તાન માટે અત્યંત મુશ્કેલ બની રહેશે. ભારતની ધરખમ બેટિંગ લાઈનઅપમાં સામેલ અભિષેક શર્માની સાથે ગિલ તેમજ તિલક વર્મા તેમજ હાર્દિક અને અક્ષર પટેલે શાનદાર દેખાવ કર્યો છે, જ્યારે બોલિંગમાં ફાસ્ટર બુમરાહની સાથે સાથે સ્પિનર કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્થીની સામે ટકી રહેવા માટે બેટ્સમેનો સંઘર્ષ કરતાં જોવા મળ્યા છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના ઉપક્રમે યોજાઈ રહેલા એશિયા કપમાં ચેમ્પિયન બનનારી ટીમને આશરે ત્રણ લાખ ડોલરનું ઇનામ મળશે. રનરઅપ ટીમને તેના કરતાં અડધી એટલે કે ૧.૫૦ લાખ ડોલર (આશરે રૂપિયા ૧.૩૦ કરોડ)નો ચેક એનાયત કરાશે.
બાંગ્લાદેશને 11 રનને હરાવીને પાકિસ્તાનને એશિયા કપ ટી-20ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં 28મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમવાર મુકાબલો જોવા મળશે.
એશિયા કપ ટુર્નામેન્ટની શરુઆત 1984માં થઈ હતી પરંતુ ક્યારે પણ બંન્ને ટીમ ફાઈનલમાં ટકરાય ન હતી પરંતુ આ વખતે આ 41 વર્ષની રાહનો અંત આવશે. ટીમ ઈન્ડિયાની નજર 9માં ખિતાબ પર રહેશે. અત્યાર સુધી વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023માં ખિતાબ જીત્યો છે. તો પાકિસ્તાનની ટીમે અત્યારસુધી 2 વખત ખિતાબ જીત્યા છે. પાકિસ્તાને વર્ષ 2000 અને 2012માં ટૂર્નામેન્ટ જીતી હતી.
એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાનની મેચોમાં નો હેન્ડશેક સહિત ઘણા વિવાદો જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંનેએ એકબીજાના ખેલાડીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. ભારતે સાહિબજાદા ફરહાન અને હારિસ રઉફ વિરુદ્ધ, જ્યારે પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બે મુદ્દા મામલે સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પીસીબીની પ્રથમ ફરિયાદમાં સૂર્યકુમારના નિવેદનો રાજકીય પ્રેરિત હોવાનો આક્ષેપ કરાયો હતો. બીજી ફરિયાદમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો મામલો સામેલ છે.
