(ANI Photo)

કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થઈ જશે તથા સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો 50 કિલોમીટરનો ભાગ 2027 સુધીમાં ખુલવાની અપેક્ષા છે.૫૦૮ કિમી લાંબો મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે.

વૈષ્ણવે નિર્માણાધીન સુરત સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. તેમના મતે, લોકો બુલેટ ટ્રેનમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર બે કલાક અને સાત મિનિટમાં કાપી શકશે. હાલમાં મુંબઈથી અમદાવાદમાં મુસાફરોનો સમય આશરે નવ કલાક છે. પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની એકંદર પ્રગતિ ખૂબ સારી છે. સુરત અને બિલીમોરા વચ્ચેનો પ્રથમ 50 કિમીનો ભાગ 2027 સુધીમાં કાર્યરત બનશે. 2028 સુધીમાં, થાણે-અમદાવાદ વિભાગ કાર્યરત થઈ જશે, અને 2029 સુધીમાં સંપૂર્ણ મુંબઈ-અમદાવાદ લાઇન ખુલશે.

પ્રધાને જણાવ્યું હતું કે સુરત સ્ટેશન પર ભારે બાંધકામનું કામ પૂર્ણ થઈ ગયું છે, ટ્રેક લિંકિંગની સાથે ફિનિશિંગ અને યુટિલિટીનું કામ પણ ચાલી રહ્યું છે. પહેલું ટર્નઆઉટ, જ્યાં ટ્રેક ભેગા થાય છે અથવા અલગ પડે છે, તે રોલર બેરિંગ્સ અને કમ્પોઝિટ સ્લીપર્સ સહિત અદ્યતન ટેકનોલોજી સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે.

ટ્રેનની સ્પીડ  320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહે તેવી રીતે મેઇન લાઇનને ડિઝાઇન કરાઈ છે. લૂપ લાઇન પર ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેન સેવાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન દર અડધા કલાકે એક ટ્રેન ઉપડશે. આખું નેટવર્ક સ્થાપિત થઈ ગયા પછી પીક અવર્સ દરમિયાન દર 10 મિનિટે એક ટ્રેન દોડશે.

 

LEAVE A REPLY