(Photo by Michael Buckner/Getty Images)

ફ્રાન્સમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવની સાથે યોજાનારા આગામી માર્ચ ડુ ફિલ્મમાં ભારતને સત્તાવાર રીતે કન્ટ્રી ઓફ ઓનરનો દરજ્જો આપવામાં આવ્યો છે. માર્ચ ડુ ફિલ્મ આ ફિલ્મ ફેસ્ટિવલનું બિઝનેસ સેગમેન્ટ છે અને તેનો વિશ્વના સૌથી મોટા ફિલ્મ માર્કેટમાં સમાવેશ થાય છે.

ભારત અને ફ્રાન્સ રાજદ્રારી સંબંધોને 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. આ પૂર્વભૂમિકામાં ભારતની કન્ટ્રી ઓફ ઓનર તરીકે પસંદગી થઈ છે. આ વર્ષે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી 28 મે દરમિયાન યોજાશે.

એવું પ્રથમ વખત બની રહ્યું છે કે માર્ચ ડુ ફિલ્મમાં કોઇ દેશ સત્તાવાર કન્ટ્રી ઓફ ઓનર હશે. આ દરજ્જાને કારણે માર્ચ ડુ ફિલ્મની મેજેસ્ટિક બીચ ખાતેની ઓપનિંગ નાઇટમાં ભારત, તેની ફિલ્મો, સંસ્કૃતિ અને વારસા પર ફોકક કરાશે. આ નાઇટ સેરેમનીમાં લોકસંગીત રજૂ કરવામાં આવશે તથા ભારત અને ફ્રાન્સના વ્યંજનો પીરસવામાં આવશે.

ભારતમાં આઝાદીનો અમૃત પર્વ ઉજવાઈ રહ્યો છે, એ જ રીતે ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કન્ટ્રી ઓફ ઓનરની પરંપરા શરૂ થઈ છે. ભારતને આ સન્માન પ્રથમ વર્ષમાં જ મળ્યું છે.આ ફિલ્મ ફેસ્ટિવલની ભવિષ્યની આવૃત્તિઓમાં પણ આ નવી પરંપરા ચાલુ રાખવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતાં માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે અમે કન્ટ્રી ઑફ ઓનરનું સન્માન ખુશીથી સ્વીકારીએ છીએ અને આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને ‘કન્ટેન્ટ હબ ઑફ ધ વર્લ્ડ’ તરીકે રજૂ કરવામાં આવશે.