ભારતીયો દ્વારા કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાની વધુ એક ઘટના બહાર આવી છે. આ વખતે ઘૂસવાનો પ્રયાસ કરતા છ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. કેનેડાથી હોડીમાં બેસીને અમેરિકામાં જવાનો પ્રયાસ કરતી વખતે અમેરિકન બોર્ડર ઓથોરિટીએ 19-21 વર્ષના ભારતીય યુવાનોની ધરપકડ કરી હતી. અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને જણાવ્યું હતું કે, સેન્ટ રેગિસ મોહોક ટ્રાઇબલ પોલીસ ડિપાર્ટમેન્ટ, ઓક્વોસેન મોહોક પોલિસ સર્વિસ, અમેરિકન બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ સહિતની વિવિધ એજન્સીએ ગત ગુરુવારે વહેલી સવારે ઘૂસણખોરીનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પકડાયેલાઓમાં એક વ્યક્તિ અમેરિકાનો નાગરિક છે અને તેની સામે ‘એલિયન સ્મગલિંગ’નો ગુનો નોંધાયો છે. જેમાં દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.
ઓક્વિસેન મોહોક પોલીસ સર્વિસને ગયા સપ્તાહે શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી. જેની જાણ તેણે સેન્ટ રેજિસ મોહોક ટ્રાઇબલ પોલીસ ડિપાર્ટમેન્ટને કરી હતી અને જણાવ્યું હતું કે, કેનેડાથી અમેરિકા તરફ કેટલાક લોકો સાથેની એક હોડી આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં ચાર ગુજરાતીઓનો એક પરિવાર કેનેડા-અમેરિકાની સરહદથી લગભગ 12 કિલોમીટર દૂર મેનિટોબાના ઇમર્સન નજીક મૃત હાલતમાં મળ્યો હતો. પરિવારના સભ્યો બરફમાં ચાલીને કેનેડાથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જ સમયે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા અન્ય સાત ભારતીય નાગરિકોની પણ અમેરિકા-કેનેડા સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી.
તાજેતરની ઘટનામાં સેન્ટર રેજિસ મોહોક ટ્રાઇબલ પોલીસ ડિપાર્ટમેન્ટે નિર્દેશને પગલે હોડી પર નજર રાખી હતી, જે ડૂબતી જણાઈ હતી. સહાયની માંગણી પછી બોર્ડ પેટ્રોલ એજન્ટ્સ અને HAVFD હોડીને શોધવા પહોંચ્યા ત્યારે તે લગભગ પાણીની નીચે હતી. એક વ્યક્તિ ડૂબતી હોડીમાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી અને કિનારે પહોંચી હતી. HAVFDએ અન્ય હોડી દ્વારા છ લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી. સત્તાવાળાએ જણાવ્યું હતું કે, ડૂબી રહેલી હોડીમાં લાઇફ જેકેટ્સ કે સુરક્ષાના કોઇ સાધનો ન હતા.