ક્વીન ઍલિઝાબેથનો જન્મ લંડનના મેફેરની ૧૭, બ્રુટન સ્ટ્રીટમાં ૨૧ ઍપ્રિલ, ૧૯૨૬ના રોજ થયો હતો. ડ્યુક અને ડચેસ ઑફ યોર્કના પ્રથમ સંતાનને પ્રિન્સેસ ઍલિઝાબેથ ઑફ યોર્ક તરીકે ટાઇટલ અપાયું હતું.

બકીંગહામ પેલેસના ઍક ચેપલમાં પ્રિન્સેસ ઍલિઝાબેથની ખ્રિસ્તી નામ-સંસ્કાર વિધિ થઈ હતી અને તેમને ‘ઍલિઝાબેથ મેરી ઍલેક્ઝાન્ડ્રા’ નામ આપવામાં આવ્યું. ઍલિઝાબેથ નામ તેમના માતાના નામમાંથી લેવાયુ હતું. તેમના પૈતૃક મહાદાદીમા (પેટર્નલ ગ્રેટ ગ્રાન્ડ મધર) ક્વીન ઍલેક્ઝાન્ડ્રામાંથી ઍલેક્ઝાન્ડ્રા તથા પૈતૃક દાદીમા (પેટર્નલ ગ્રાન્ડમધર) ક્વીન મેરીમાંથી મેરી નામ લેવાયું હતું.

૧૯૩૬માં દાદા કીંગ જ્યોર્જ ધ ફીફથનું અવસાન થયા બાદ કીંગ જ્યોર્જના સૌથી મોટા પુત્ર કીંગ ઍડવર્ડ ધ ઍઈટ્થનો રાજ્યાભિષેક થયો હતો. પરંતુ રાજગાદી પર હજી ઍક વર્ષ પૂરું કરે તે પહેલાં જ તેમણે રાજગાદીનો ત્યાગ કર્યો હતો. તેઓ મિસીસ વલીસ સિમ્પ્સનના પ્રેમમાં હતા. તે કોઈ રાજવી ખાનદાનની ન હોવાના કારણે તેની સાથે પરણવા માટે બ્રિટનના રાજ પરિવારે કીંગ ઍડવર્ડ ધ ઍઈટ્થને અનુમતી આપી ન હોવાથી પોતાની પ્રેમિકાને પરણવા ખાતર ઍક રાજાઍ રાજગાદીનો ત્યાગ કર્યો હતો. જેના પરિણામે તેમના સ્થાને રાજગાદી પર પ્રિન્સેસ ઍલિઝાબેથના પિતાનો ૧૯૩૭માં રાજ્યાભિષેક થયો હતો.

પ્રિન્સેસ ઍલિઝાબેથ અને તેમના નાનાં બેન વેસ્ટમિન્સ્ટર ઍબીમાં પિતાના રાજ્યાભિષેક (કોરોનેશન) વિધિમાં ઉપસ્થિત રહ્યાં હતા. પિતાના રાજ્યાભિષેકને કારણે રાજગાદીના વારસદારોમાં પ્રથમ સ્થાન હવે પ્રિન્સેસ ઍલિઝાબેથનું બન્યું હતું. આમ અચાનક જ પ્રિન્સેસ ઍલિઝાબેથનો સિતારો ઝળક્યો હતો અને તેઓ બ્રિટિશ પ્રજાની નજરમાં અને હૈયામાં વસી ગયાં!

૨૧ ઍપ્રિલ ૧૯૨૬ના રોજ જન્મેલા ઍલિઝાબેથ ઍલેક્ઝાન્ડ્રા બ્રિટન ઉપરાંત સોળ બીજા રાષ્ટ્રોના બંધારણીય વડા છે. બ્રિટનના ચર્ચના પણ તેઓ ઔપચારિક સર્વસત્તાધીશ છે. તેમના પિતા જ્યોર્જ પંચમ ભારતના પણ સમ્રાટ હતા. જેમનો ખિતાબ આઝાદી પછી દૂર કરાયો હતો.

પ્રિન્સેસ ઍલિઝાબેથ ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ રાજગાદી પર ‘ક્વીન ઍલિઝાબેથ ધ સેકન્ડ’ તરીકે આરૂઢ થયાં તે પછી બીજી જૂન, ૧૯૫૩ના રોજ તેમની રાજ્યાભિષેક વિધિ થઇ હતી. ૧૯૪૭માં પ્રિન્સેસ ઍલિઝાબેથનાં લગ્ન ડ્યુક ઑફ ઍડિનબરા સાથે થયા હતા. પ્રિન્સ ફિલીપ વિવિધ નેવલ જવાબદારીઓ સંભાળતા હતા.

પ્રિન્સેસ ઍલિઝાબેથ કેન્યાની મુલાકાતે હતા ત્યારે ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ તેમના પિતાના અવસાનના સમાચાર મળતા તેઓ યાત્રા પડતી મૂકીને બ્રિટન પધાર્યા હતાં. બીજી જૂન, ૧૯૫૨ના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર ઍબી ખાતે પ્રિન્સેસ ઍલિઝાબેથનો કોરોનેશન વિધિ થયો હતો. ઍ વેળા પાર્લામેન્ટના સભ્યો, કોમનવેલ્થ દેશોનાં વડાપ્રધાનો અને બીજા ઘણા દેશોના પ્રતિનિધિઓ અને બીજા અગ્રણીઓ હાજર રહ્યાં હતા. બ્રિટિશ જનતાનાં ટોળેટોળાં માર્ગો પર ઉમટ્યા હતા અને ક્વીનના રાજવી યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરી ક્વીનને વધાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને ક્વીન ઍલિઝાબેથની ખાસ વિનંતીને માન આપીને ટેલિવીઝન ઉપર ટેલિકાસ્ટ કરાતા દુનિયાના દૂર ખૂણે રહેલા કરોડો નાગરિકોએ જોયો હતો.

ક્વીને શાસનના પ્રથમ દશકામાં જ યુકેના સમગ્ર વિસ્તારોનો વિસ્તૃત પ્રવાસો ખેડી ઉત્સાહપૂર્વક બ્રિટિશ પ્રજાની સુખાકારીમાં ઊંડો રસ દાખવ્યો હતો અને દરેક રાજકીય જવાબદારીઓ કુનેહપૂર્વક પાર પાડી હતી. ક્વીને બ્રિટિશ રાજવી પરંપરાઓમાં પણ મહત્વના ફેરફારો કરી ૧૯૫૮માં ફોર્મલ પ્રેઝન્ટેશન્સ ઍટ કોર્ટને કાયમ માટે બંધ કરાવી હતી. તેમણે વર્ષની ત્રણ ગાર્ડન પાર્ટીઓને બદલે વધારો કરાવીને વર્ષે ચાર ગાર્ડન પાર્ટીઓ યોજવી શરૂ કરી હતી. 1948માં રાણી બનતા પહેલા પ્રિન્સ ચાર્લ્સને અને રાણી બન્યા બાદ 1957માં પ્રિન્સેસ બિટ્રાઇસ, 1960માં પ્રિન્સ ઍન્ડ્રુ અને 1964માં ચોથા સંતાન પ્રિન્સ ઍડવર્ડને જન્મ આપ્યો હતો.

૧૯૬૯માં પહેલી જ વાર બ્રિટિશ રોયલ ફેમિલીની પારિવારિક જિંદગી ટેલિવીઝન ઉપર દર્શાવાઈ હતી. ‘રોયલ ફેમિલી’ નામના એ કાર્યક્રમ ૨૩ મિલિયન લોકોએ રસપૂર્વક નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં ક્વીન અને બીજા રાજવી પરિવારજનોની ‘ઑફ ડ્યુટી’ (અંગત) તથા રોજિંદી પ્રવૃત્તિઓ દર્શાવી હતી.

ક્વીને ૧૯૬૯માં કાર્નેવોલ કાસલની મુલાકાત લઈ પ્રિન્સ ચાર્લ્સને ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ તરીક વિધિવત નિમણુંક કરતા પ્રિન્સ ચાર્લ્સ રાજગાદીના વારસ ઘોષિત થયા હતા. જે કાર્યક્રમ દુનિયાભરના ૨૦૦ મિલિયન લોકોએ ટેલિવીઝન ઉપર નિહાળ્યો હતો.

૧૯૭૭માં ક્વીને બ્રિટિશ રાજગાદી ઉપર ૨૫ વર્ષ પૂરાં કરતાં સિલ્વર જ્યુબિલી નિમિત્તે ક્વીને સમગ્ર બ્રિટન અને કોમવેલ્થના કેટલાક દેશોની મુલાકાત લીધી હતી. ૧૯૭૭માં તેઓ પુત્રી પ્રિન્સેસ ઍને પુત્રને જન્મ આપતાં નાના-નાની બન્યા હતાં.

૯ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ તેમના બહેન પ્રિન્સેસ માર્ગારેટનું ૭૧ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું અને ૩૦ માર્ચ, ૨૦૦૨ના રોજ ક્વીન ઍલિઝાબેથ ધ ક્વીન મધરનું ૧૦૧ વર્ષની વયે વિન્ડસરમાં રોયલ લોજ ખાતે અવસાન થયું હતું.