A Life Poem of Queen Elizabeth
(Photo by Chris Jackson/Getty Images)

બ્રિટન અને વિશ્વએ પહેલાં ક્યારેય જોઇ નહિં હોય અને કદાચ ફરી ક્યારેય જોવા નહિં મળે તેવા મહારાણીના 70 વર્ષના શાસનની પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવની ઉજવણી કરવા સમગ્ર દેશમાં ઉત્સાહ અને દેશભક્તિની ભાવના જોવા મળી રહી છે. નાના ગામડાંઓથી લઈને શહેરના સીટી સેન્ટરોમાં, શોપીંગ સેન્ટર્સ અને મોટા રીટેઇલ સ્ટોર્સથી લઇને કન્વીનીયન્સ શોપ્સમાં ઉજવણીનો માહોલ જણાઇ રહ્યો છે. દેશભરમાં હજારો સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા લોકો થનગની રહ્યા છે. શેરીઓ, હાઇ સ્ટ્રીટ્સ અને લંડનના રાજમાર્ગો યુનિયન ફ્લેગ, ફૂલો અને બંટીંગથી શણગારવામાં આવ્યા છે.

ઐતિહાસિક પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના સાક્ષી બનવા માટે વિશ્વભરમાંથી લગભગ એક બિલિયનથી વધુ દર્શકો ઉત્સવોનું લાઇવ અને રેકોર્ડેડ ટીવી પ્રસારણ જોવા માટે જોડાય તેવી અપેક્ષા છે. સમગ્ર યુકેમાં 16,000થી વધુ સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવની ઉજવણી બે બેંક હોલીડે સાથે ગુરુવાર અને શુક્રવાર સાથે શરૂ થાય છે અને રવિવારે રાષ્ટ્રગીતના ઉત્સાહપૂર્ણ, સ્ટાર-સ્ટડેડ પ્રસ્તુતિ સાથે સમાપ્ત થશે.

શાહિ પરિવારના કેટલાક ચાહકોએ જ્યુબિલીની ઉજવણી શરૂ થાય તેના બે દિવસ પહેલા લંડનના મોલ ખાતે ટેન્ટ લગાવી જગ્યાઓ રોકી લીધી હતી. સશસ્ત્ર દળોએ મંગળવારે વહેલી સવારે લંડનમાં રવિવારે યોજાનાર પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ માટે અંતિમ રિહર્સલ હાથ ધર્યું હતું. રોયલ નેવી, બ્રિટિશ આર્મી અને રોયલ એર ફોર્સ ઇવેન્ટની છેલ્લી તૈયારી તરીકે છેલ્લુ રિહર્સલ – કૂચ કરી હતી. 2002માં ગોલ્ડન જ્યુબિલી પછી પ્રથમ વખત ગોલ્ડ સ્ટેટ કોચને રોયલ મ્યુઝની બહાર શેરીઓમાં લઈ જવાયો હતો.

મહારાણીના જીવન અને શાસનના સમયની સરાહના કરતી આ ઉજવણીને સૌ કોઇ રોગચાળા પછીની જોયફૂલ આફ્ટર-પાર્ટી તરીકે ઉજવી રહ્યાં છે. મહારાણીના આ ઉત્સવનું આયોજન કરનાર ટીમે કાર્યક્રમોનું આયોજન કરવામાં અને વધુને વધુ લોકોને જોડવા માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને બાકીના સોસ્યલ મિડીયા પર મહિનાઓ ફાળવ્યા છે. લંડનમાં વિક્ટોરિયા મોન્યુમેન્ટ અને બકિંગહામ પેલેસ તરફ જતા મોલની આસપાસના રસ્તાઓ પર મંચ બનાવાયા છે.
ક્વીન એલિઝાબેથ II માટે પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટમાં ભાગ લેવા માટે બ્રિટિશ સશસ્ત્ર સેવાઓ અને મોટા ભાગના કોમનવેલ્થ દેશોમાંથી 2,000 માઉન્ટેડ અને માર્ચિંગ લશ્કરી સ્ત્રી-પુરુષો લંડન આવ્યા છે. આ ઉપરાંત યુકેના મિડલેન્ડ્સ, નોર્થ ઇસ્ટ અને ઇંગ્લેન્ડના નોર્થ વેસ્ટ, સ્કોટિશ હાઇલેન્ડ્સથી લઈને કોર્નવોલ અને ડેરી સહિત વિવિધ ભાગોમાંથી લોકો લંડન ઉમટી આવનાર છે. ગ્લાસગો, કાર્ડિફ, પ્લેમથ, કોવેન્ટ્રી, થરોક અને નોટિંગહામ સહિતના શહેરોમાંથી હજારો લોકોને લંડન લાવવાના લોજિસ્ટિકલ પડકારને ઝીલી લેવાયા છે.

પાટનગર લંડનમાં મોટાપાયે ઉજવણી થનાર હોવાથી ઉત્સવ દરમિયાન ખાનગી વાહનો માટે જાહેર માર્ગો બંધ કરવામાં આવ્યા છે અથવા તો રોડને બ્લોક કરયા છે. નેટવર્ક રેલે જણાવ્યું હતું કે રાજધાની લંડનની મુસાફરી કરવા માંગતા લોકોની ઉચ્ચ માંગને પહોંચી વળવા તમામ મુખ્ય લાઇન ખુલ્લી રહેશે. પ્લેટિનમ જ્યુબિલી બેંકની રજાઓ પર ગેટવેનું આયોજન કરતા લાખો ડ્રાઇવરોને વિલંબની અપેક્ષા રાખવા ચેતવણી આપવામાં આવી છે. આરએસીનો અંદાજ છે કે બુધવાર અને રવિવાર વચ્ચે મુખ્ય માર્ગો પર કતારો લાગશે અને 19.5 મિલિયન રોડ ટ્રિપ્સ થશે. શુક્રવારે સૌથી વ્યસ્ત ટ્રાફિક રહેવાની સંભાવના છે. યુરોસ્ટાર સર્વિસના મુખ્ય પોઇન્ટ્સ ડોવર પોર્ટ અને લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન પર લાંબી કતારો જોવા મળશે. લોકો વધુ પ્રમાણમાં હોલીડે પર જનાર હોવાથી યુકેના એરપોર્ટ પણ ગુરૂવાર અને રવિવાર વચ્ચે ઉપડતી 10,000થી વધુ ફ્લાઇટ્સ સાથે વ્યસ્ત રહેશે.

મહારાણીના સન્માનમાં અદભૂત ટેબ્લોક્સ વાઇવન્ટ્સ બનાવવામાં અને રિહર્સલ કરવામાં કલાકારોએ મહિનાઓ ગાળ્યા છે. ત્રણ માળની ઉંચાઇ જેટલા વિશાળ શિલ્પો ઉભા કરાયા છે. વિશાળ, ટોલ્કિન-શૈલીના ઓક્સ અને મેપોલ્સ, વાયર-ફ્રેમવાળા ડ્રેગન અને હર મેજેસ્ટીની કોર્ગિસની મેરિયોનેટ પપેટ બનાવાયા છે. કિંગ જ્યોર્જ III માટે બનાવવામાં આવેલ રોયલ મ્યુઝનો આઠ ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવનાર ગોલ્ડ સ્ટેટ કોચનું ખાસ આ અનોખા દિવસ માટે સંપૂર્ણ રીતે નવીનીકરણ કરાયું છે. 1953માં રાજ્યાભિષેક વખતે માર્ગમાં લોકોની ભીડનું અભિવાદન ઝીલતા યુવાન રાણીની ફિલ્મને ડીજીટલ રીતે કોચની અંદરથી રજૂ કરવામાં આવશે. જેથી લોકોને લાગે કે યુવાન મહારાણી તેમનું અભિવાદન ઝીલી રહ્યાં છે.

રાણીના શાસનની સરાહના કરતી પરેડમાં દરેક પ્રકારનું સંગીત રજૂ થશે જેમાં બહુવિધ બેગપાઈપ્સ અને અનેક બ્રાસ બેન્ડ, સામ્બા રેગે, બટાલા ડ્રમર્સ, ગોસ્પેલ કોયર્સ, ડિસ્કો, પંક, પંજાબી ભાંગડા, જાઝ અને સ્ટીલ બેન્ડ, હાઉસહોલ્ડ કેવેલરીનું માઉન્ટેડ બેન્ડ ગીત સંગીતની સુરાવલિઓ રજૂ કરશે.

ટ્રોપિંગ ધ કલરથી લઇને સેન્ટ પોલ્સમાં યોજાનારી થેંક્સગિવીંગ સેરેમની, ક્વીન્સ ગ્રીન કેનોપી દ્વારા ઉજવણી કરાશે.
બીકન્સ અને બીગ લંચ લાઇટિંગનું તેમજ રેટ્રો-રેવર્સ માટે, ડાયના રોસ, ક્વીન અને એલ્ટન જ્હોન સાથે રોક કોન્સર્ટનું આયોજન કરાયું છે. ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમોમાં બેક ઓફ ગ્રેટ જ્યુબિલી પુડિંગ હરીફાઈમાં સાઉથપોર્ટના જેમ્મા મેલવિને તેના લેમન સ્વિસ રોલ અને અમરેટી ટ્રાઇફલ સાથે જીતી હતી. તો રોયલ વિન્ડસર હોર્સ શો યોજાયો હતો.નિકોલસ કોલરિજ સર માઈકલ લોકેટ સાથે પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટના કો-ચેર છે.