પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુરોપમાં ફ્રાન્સ સહિતના દેશોમાં તાજેતરના મહિનામાં નાઇટક્લબ કે કોન્સર્ટમાં ભેદી નીડલ એટેકથી સત્તાવાળા ચિંતિત બન્યાં છે. ફ્રાન્સમાં આશરે 300 લોકોને સોય ભોંકવામાં આવી હોવાના અહેવાલ મળે છે. ડોક્ટર્સ અને સત્તાવાળા આની તપાસ કરી રહ્યાં છે, જોકે આવા હુમલા કોણ કરે છે અને શા માટે કરે છે તથા પીડિત વ્યક્તિને સોય ભોંકીને કોઇ નશીલા પદાર્થ આપવામાં આવે છે કે બીજું કોઇ પ્રવાહી આપવામાં આવે છે તે હજુ બહાર આવ્યું નથી.

ક્લબના માલિકો અને પોલીસ આ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તાજેતરમાં એક રેપરે ચાલુ કોન્સર્ટે લોકોને ભેદી નીડલ એટેકની ચેતવણી આપી હતી. આવા નીડલ એટેક ફ્રાન્સ પૂરતા સીમિત નથી, પરંતુ બ્રિટન સરકાર પણ નીડલ એટેકમાં ઉછાળાનો અભ્યાસ કરી રહી છે, જ્યારે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ આવા છૂટાછવાય કેસોની તપાસ કરી રહ્યાં છે.

4મેએ 18 વર્ષના થોમસ લોક્સે ફ્રાન્સમાં એક રેપ કોન્સર્ટમાં ગયો હતો. આ શોમાં તેને મારિજુઆન લીધું હતું અને શરાબ પીતો હતો. તે ઘરે આવ્યો ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા અને માથુ દુઃખવા લાગ્યું હતું. તેને તેના હાથમાં સ્કીન પંક્ચર અને ઉઝરડો જોવા મળ્યો હતો. બીજા દિવસે પણ આ ચિહ્નો દૂર થયા ન હતા અને તે ડોક્ટર પાસે ગયો હતો. ડોક્ટર્સે સોય ઘોંચવામાં આવી હોવાને પુષ્ટી આપી હતી. આ પછી તેનો એચઆઇવી સહિતના રીપોર્ટ કરાયા હતા, જે બીજા પીડિતોની જેમ નેગેટિવ આવ્યો હતા. આ ઘટના પછી આ યુવકે કોન્સર્ટમાં જવાનું બંધ કર્યું છે.

હજારો કિમી દૂર લીની ડેસ્નોસે પણ આવા અનુભવનું વર્ણન કર્યું હતું.તેના હાથ પર પણ ઇન્જેક્શનના નિશાન મળી આવ્યા હતા. કોઇ પીડિતે જાતિય હુમલાની ફરિયાદ કરી નથી. જોકે બે વ્યક્તિ જીએચબી પોઝિટિવ આવ્યા હતા. જીએચબી એક શક્તિશાળી ડ્રગ છે, જેનો ઉપયોગ જાતિય હુમલા માટે થાય છે.