ગુજરાતમા વિના ચોમાસે ત્રાટકેલી વીજળીએ સુરેન્દ્રનગર જિલ્લામાં બે તથા પાટણ અને ભાવનગર જિલ્લામાં એક એક વ્યક્તિનો ભોગ લીધો હતો. સુરેન્દ્રનગરના લીંબડીથી  બાઈક લઇને જાંબુ નટવરગઢ જઇ રહેલા 23 વર્ષના જુસબભાઈ ઉપર અચાનક વીજળી ખાબકતાં ગંભીર દાઝી ગયેલી હાલતમાં ઘટનાસ્થળે જ એનું મોત થયું હતું. જ્યારે જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં 26 વર્ષીય મેલાભાઈ પોપટભાઈ ખુલ્લી જગ્યામાં બેઠા હતા. તે સમયે વીજળી ત્રાટકતા તેઓ દાઝી જતાં પ્રાથમિક સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખારી ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા મળતી માહિતી મુજબ બુધવારે સાંજના ૫:૩૦ કલાક આસપાસ  ખારી ગામ પાસે વાડીમાં કામ કરતા મકવાણા અમુલ લીંબાભાઇ (ઉ.વ.૧૭) પર વીજળી પડી હતી, દાઝી ગયેલી ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે સી.એચ.સી સિહોર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠાના સરહદી પંથકમાં રાત્રે પડેલા વરસાદ દરમિયાન પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ગામે ખેતરમાં રહેતા વરશુમજી ગણેશજીનાં પત્ની રીમુબેન ઠાકોર કુદરતી હાજતે જવા નીકળ્યાં હતાં ત્યારે તેમના પર વીજળી પડતાં તેમનું મોત થયું હતું.