Baroness Scotland of Astha (Photo by Carl Court/Getty Images)
  • એક્સ્કલુસીવ
  • બાર્ની ચૌધરી

કોમનવેલ્થના નેતાઓ માને છે કે યુકે સરકારનો “વસાહતીવાદ” દેશના મહારાણીને ખૂબ જ પ્રિય એવા કોમનવેલ્થ પરિવારનો નાશ કરી રહ્યો છે. રાણીના સમર્થકોએ ચેતવણી આપી છે કે યુકેનો “ખૂબ જ વ્યક્તિગત પ્રતિશોધ કોમનવેલ્થ પરિવારને વિભાજિત કરી રહ્યો છે”.

રવાંડામાં કહેવાતી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ [CHOGM] ની નિર્ણાયક સમિટ તેના ભાવિનો નિર્ણય કરે તે પહેલા હવે ગણતરીના  દિવસો બાકી છે. કોમનવેલ્થ ઓફ નેશન્સના 73 વર્ષના ઈતિહાસમાં અભૂતપૂર્વ પગલામાં, બ્રિટન વર્તમાન સેક્રેટરી જનરલ અને લેબર પીઅરને દૂર કરવા માંગે છે. બીજી તરફ તેમના સમર્થકોએ ચેતવણી આપી છે કે ‘’ઈતિહાસમાં ક્યારેય સેક્રેટરી જનરલને તેમની ઓફિસમાં બીજી મુદત માટે પડકારવામાં આવ્યા ન હોવાથી તેમ કરવાથી ભરપાઈ ન થાય તેવું નુકસાન થઇ શકે છે.’’

એક નોન-યુકે કોમનવેલ્થ ઇનસાઇડરે કહ્યું હતું કે “કાર્યાલયના પ્રથમ દિવસથી, બ્રિટન સેક્રેટરી જનરલને તેમની કઠપૂતળી તરીકે જોવા માગતું હતું. પરંતુ તેણીએ ના પાડતા તેમની સામે આખી સરકારી મશીનરી મૂકી દીધી હતી. તેમણે 12-મહિના કરતાં ઓછા સમયમાં સંસ્થાને A-પ્લસ વહીવટમાં ફેરવી ત્યારે પણ તેણીને કોઈ શ્રેય આપ્યો નહતો. તેના બદલે તેમના સામે સભ્ય દેશોના પ્રેસના કાન ભરાયા હતા.’’

ગયા મહિને (તા. 19), વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે, “રવાંડામાં કોમનવેલ્થ ચોગમને એક મહિનો બાકી છે ત્યારે યુકે @kaminajsmithને આગામી સેક્રેટરી જનરલ બનાવવાની ઝુંબેશનું સમર્થન કરશે તેની ખાતરી કરતાં આનંદ થયો. તેમની પાસે બહોળો અનુભવ અને સમર્થન છે અને મહાન સંસ્થાનું નેતૃત્વ કરવા માટે આદર્શ છે.”

લેબરના શેડો ફોરેન સેક્રેટરી, ડેવિડ લેમીએ જવાબ આપ્યો, “કોમનવેલ્થના અધ્યક્ષે તટસ્થતા અને ગોપનીયતા જાળવવી જોઈએ. કોમનવેલ્થ ઇતિહાસમાં ક્યારેય કોઈ અધ્યક્ષે આવું કર્યું નથી. તે અયોગ્ય અને વિભાજનકારી છે.”

પરંતુ આ પહેલીવાર નથી જ્યારે યુકેએ સ્કોટલેન્ડ સિવાયના ઉમેદવારને સમર્થન આપ્યું હોય. સપ્ટેમ્બર 2021 માં, કેન્યાએ સંરક્ષણ પ્રધાન, મોનિકા જુમાને સ્કોટલેન્ડ સામે મૂકવાનો તેનો ઇરાદો જાહેર કર્યો ત્યારે 23 સપ્ટેમ્બર 2021ના રોજ હાલના ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસે ટ્વીટ કર્યું હતું કે “કેન્યાના વિદેશી બાબતોના કેબિનેટ સચિવ રશેલ ઓમામો સાથેની મુલાકાતમાં અમે કોમનવેલ્થ સેક્રેટરી જનરલની ભૂમિકા માટે મોનિકા જુમાની ઉમેદવારી અંગે ચર્ચા કરી.” પરંતુ ફેબ્રુઆરીમાં, જુમાએ તે રેસ છોડી દીધી હતી. કેન્યાએ જણાવ્યું હતું કે કોમનવેલ્થના કેટલાક સભ્ય રાજ્યો અમારા ઉમેદવારને ટેકો આપવા તૈયાર નથી.”

21 એપ્રિલના રોજ, કામિના જૉન્સન સ્મિથે ઔપચારિક રીતે લંડનમાં જમૈકન હાઈ કમિશનમાં પોતાની બિડ શરૂ કરી હતી. જેને બોરિસ જૉન્સને ટ્વિટ કરીને સમર્થન આપ્યું હતુ.

એક આફ્રિકન રાજદ્વારીએ કહ્યું હતું કે “બ્રિટન આ અદ્ભુત સેક્રેટરી જનરલથી છૂટકારો મેળવવા માંગે છે. તેઓ આતુર છે. તેઓ બેરોનેસ સ્કોટલેન્ડને પડકારવા માટે ઉમેદવારો ઊભા કરવા સભ્ય રાજ્યોને મદદના નામે લાંચ આપે છે.

યુકેના એક સંસદસભ્યએ જણાવ્યું હતું કે, “ફોરેન અને કોમનવેલ્થ ઑફિસ હાઈ કમિશનરોને બોલાવી જમૈકન ઉમેદવારને સમર્થન આપવા કહે છે.”

કેરેબિયનના સ્ત્રોતે જણાવ્યું હતું કે, “બ્રિટન જે કરી રહ્યું છે તે કોમનવેલ્થના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી અને દરેક હોદ્દેદારને બિનહરીફ બીજા કાર્યકાળની સેવા કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમની નજર પ્રશાંત મહાસાગરના દેશો અને આફ્રિકાના બજારો અને સંસાધનો પર છે.’’

સ્કોટલેન્ડના ભારતીય સમર્થકોને આશ્ચર્ય થાય છે કે તેમનો દેશ પણ જમૈકન ઉમેદવારને સમર્થન આપે છે. જૉન્સન સ્મિથના વિભાગે ગયા મહિને તેની વેબસાઇટ પર ભારતના સમર્થનને દર્શાવ્યું હતું. ભારતના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે તેમના જમૈકન સમકક્ષને પત્ર લખ્યો છે.

એક ભારતીય ડીપ્લોમેટીક સ્ત્રોતે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “મને સમજાતું નથી કે મારો દેશ શું રમી રહ્યો છે. ચીન જમૈકાને લગભગ એક બિલિયન અમેરિકન ડોલરનું સમર્થન કરી રહ્યું છે. ચીન અને જમૈકા વચ્ચે દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ 2021માં US$816 મિલિયન થયું છે. ચીનનો પ્રભાવ વધી રહ્યો છે, અને ટૂંક સમયમાં ચીન કોમનવેલ્થમાં દખલ કરશે અને ચીન પાસે પ્રોક્સી વોટ હશે. શું આપણા રાજકારણીઓને એ સમજાતું નથી?”

ઘણા સભ્યોએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’કોમનવેલ્થ શું કામ કરે છે તેની બ્રિટનની મૂળભૂત સમજનો અભાવ ઘણા સભ્ય દેશોને નારાજ કરે છે. તેના ઘણા પ્રજાસત્તાક દેશો યુકેને ધિક્કારે છે.’’

કેટલાક સભ્ય દેશોએ યુકેને કહ્યું છે કે સ્કોટલેન્ડને તેનો બીજો કાર્યકાળ પૂરો કરવાની મંજૂરી આપવી જોઈએ, જે 2024 માં સમાપ્ત થવાનું છે.

રાજદ્વારીઓ અને કોમનવેલ્થ ઓબ્ઝર્વર્સે જણાવ્યું હતું કે ‘’પ્રથમ, સભ્ય દેશો વચ્ચે અનૌપચારિક સમજણ એ છે કે સેક્રેટરી જનરલને વિરોધ કર્યા વિના બીજી મુદત પૂરી કરવાની મંજૂરી આપવામાં આવે છે.’’

કેરેબિયનના એક સ્ત્રોતે કહ્યું, “જો સેક્રેટરી જનરલને CHOGMમાં તેના બે વર્ષ મળે, તો આફ્રિકા 2024માં પોતાનો વારો આવે તેવી સંપૂર્ણ અપેક્ષા રાખશે. પરંતુ જો તેઓ હારશે તો કામિના સ્મિથનો બીજા આઠ વર્ષ સેવા આપવાનો અધિકાર સમાપ્ત થશે. તેનો અર્થ એ કે આફ્રિકાએ 2030 સુધી રાહ જોવી પડશે.”

ત્રીજો અલિખિત નિયમ એ છે કે બ્રિટિશ મોનાર્ક કોમનવેલ્થના વડા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ‘’2018માં લંડન CHOGM દરમિયાન, રાણીએ ખાસ કરીને ઓફિસના અધ્યક્ષ, માલ્ટાને, સભ્ય દેશોને તે પરંપરા ચાલુ રાખવા માટે સમજાવવા કહ્યું હતું. પ્રિન્સ ચાર્લ્સ રવાંડામાં તેની માતાનું પ્રતિનિધિત્વ કરશે અને રાણીના નિધન પછી તેઓ કોમનવેલ્થના વડા બનશે.

યુકેના એમપીના જણાવ્યા અનુસાર, પેલેસ સાથે સેક્રેટરી જનરલનો સંબંધ ક્યારેય મજબૂત રહ્યો નથી. તેના સમગ્ર કાર્યકાળ દરમિયાન રાણી અને પ્રિન્સ ચાર્લ્સ બંનેએ તેને પડદા પાછળ ખાનગી રીતે ટેકો આપ્યો હતો.

અમે ફોરેન ઓફિસને પૂછેલા પ્રશ્નોના જવાબનો તેમણે ઇનકાર કર્યો છે.