ભારત અને યુકે વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) દિવાળી સુધીમાં પૂર્ણ થાય તેવું નિર્ધારીત લક્ષ્ય શક્ય છે પરંતુ તે નિશ્ચિત નથી એમ પીએમ જૉન્સને રાજીનામુ આપ્યા બાદ સ્ટ્રેટેજીક અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ જણાવ્યું હતું. ઐતિહાસિક FTAની વાટાઘાટો ચોથા તબક્કામાં છે અને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા શાસન હેઠળ વિદેશ નીતિના વલણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી.

કોન્ફેડરેશન ઑફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના પ્રમુખ અને યુકે-ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી ટાસ્કફોર્સનું નેતૃત્વ કરતા લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે “ભારતે UAE અને ઑસ્ટ્રેલિયા સાથે 90 દિવસ કરતાં પણ ઓછા સમયમાં કેટલાક ઝડપી સોદા કર્યા હતા, પરંતુ અમે UK-ભારતના FTA માટે જે આયોજન કરીએ છીએ તેના કરતાં વધુ હળવા છે. મારા મતે ઓક્ટોબરના અંતે નહીં પણ ડિસેમ્બરના અંતે આ કરાર થઇ શકે છે.‘’

તેમણે છેલ્લી ઘડીના અનિવાર્ય મુદ્દાઓ અંગે ચેતવણી આપી હતી પરંતુ અંદાજિત 26 પ્રકરણો પૂર્ણ કરવામાં “સારી પ્રગતિ”ના અહેવાલોને કારણે આ વર્ષની અંદર જ વ્યાપક કરાર પૂર્ણ કરવા અંગે “ખૂબ જ આશાવાદી” રહ્યા હતા.

નવી દિલ્હી સ્થિત એક અધિકારીએ પણ તાજેતરની રાજકીય ઉથલપાથલની અસર નહિં થાય તેમ કહેતા જણાવ્યુ હતું કે “FTA વાટાઘાટો ખૂબ જ જટિલ ક્ષેત્ર છે અને તેમાં FTAના વિવિધ ઘટકોનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્યાંકન શામેલ છે. ખૂબ જ પડકારજનક સમયમર્યાદાને પહોંચી વળવા માટે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.’’

લંડન સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) થિંક ટેંકમાં દક્ષિણ એશિયા માટેના વરિષ્ઠ ફેલો રાહુલ રોય-ચૌધરીએ જણાવ્યું હતું કે, “જૉન્સનના વડા પ્રધાનપદે ભારત સાથેના સંબંધોને વધારવા માટે અભૂતપૂર્વ રાજકીય પ્રતિબદ્ધતા જોવા મળી હતી, જેનો બદલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યો હતો. હવે આ સમયે જોવાનું એ રહે છે કે જૉન્સન FTA કેટલી અસરકારક રીતે પૂર્ણ કરી શકે છે.‘’

કિંગ્સ કોલેજ લંડનમાં યુરોપિયન પોલિટિક્સ અને ફોરેન અફેર્સના પ્રોફેસર અને ચેન્જિંગ યુરોપમાં થિંક ટેન્ક યુકેના ડિરેક્ટર આનંદ મેનન, યુકેના યુરોપના વલણમાં કોઈ નોંધપાત્ર ફેરફારની આગાહી કરતા નથી. તેઓ કહે છે કે યુકેની વિદેશ નીતિમાં બહુ ફેરફાર જોતો નથી.

આવતા અઠવાડિયે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે મુંબઈની મુલાકાતનું આયોજન કરતા સિટી ઓફ લંડન પોલિસી ચેર ક્રિસ હેવર્ડ માને છે કે ભારત-યુકેની ઉન્નત ભાગીદારી પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત UK માટે અતિ મહત્વનું બજાર છે.