(Photo by Jack Hill - WPA Pool/Getty Images)

ચાન્સેલર ઋષી સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવીદ સહિત 50થી વધુ અન્ય નેતાઓના રાજીનામા બાદ નવ નિયુક્ત ચાન્સેલર નદિમ જહાવી, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત ધણાં બધા નેતાઓ અને એમપીઝે વડા પ્રધાન બોરિસ જૉન્સનને રાજીનામું આપવા આગ્રહ કર્યા પછી બોરિસ જૉન્સને ગુરૂવારે તા. 7ના રોજ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે જ્યાં સુધી ઓક્ટોબરમાં યોજાનાર કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં નવા નેતાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન તરીકે ચાર્જમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

કેબિનેટમાં જ થયેલા અભૂતપૂર્વ બળવા અને સરકારને હચમચાવી નાખનારા કૌભાંડોની શ્રેણીના પગલે જૉન્સનની પ્રતિષ્ઠા ખૂબજ ખરડાઇને તળીયે જઇ બેઠી હતી. ગયા મહિને અવિશ્વાસ મતમાં લગભગ બચી ગયેલા જૉન્સને ચૂંટાઇ આવનાર નવા નેતાને બને તેટલું સમર્થન આપવાનું વચન આપ્યું હતું અને અત્યાર સુધી આપેલા અપાર વિશેષાધિકાર માટે બ્રિટીશ જનતાનો આભાર માન્યો હતો. તેમણે આ માટે તેમના પક્ષની “ટોળા વૃત્તિ”ને દોષીત જણાવી હતી.

સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પરથી રાષ્ટ્રને સંબોધતા રાજીનામાના ભાષણમાં 58 વર્ષના વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું હતું કે “હું ઇચ્છું છું કે આપ સૌ જાણો કે વિશ્વની શ્રેષ્ઠ નોકરી છોડીને હું કેટલો દુઃખી છું. રાજકારણમાં, કોઈ પણ “રીમોટલી ઇન્ડીસ્પેન્સેબલ” નથી. જ્યાં સુધી ઓક્ટોબરમાં યોજાનાર કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં નવા નેતાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચાર્જમાં રહીશ. હું અમારી બેકબેન્ચ સાંસદોના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડી સાથે સંમત થયો છું કે નવા નેતાની પસંદગીની પ્રક્રિયા હવે શરૂ થવી જોઈએ અને તેનું સમયપત્રક આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. મેં આજે એક કેબિનેટની વરણી કરી છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’મને 2019ની સામાન્ય ચૂંટણીમાં ‘અતુલ્ય જનાદેશ’ આપવામાં આવ્યો હતો અને તે જનાદેશને વ્યક્તિગત રૂપે પહોંચાડવાનું ચાલુ રાખવા માટે મેં છેલ્લા કેટલાક દિવસોમાં આટલો સખત સંઘર્ષ કર્યો છે. મને લાગ્યું કે તે મારું કામ છે, મારી ફરજ છે, 2019 માં અમે જે વચન આપ્યું છે તે કરવાનું ચાલુ રાખવું.”

છેલ્લા કેટલાક દિવસોના ડ્રામાનો ઉલ્લેખ કરતા, જૉન્સને જણાવ્યું હતું કે ‘’મારા સાથીદારોને મેં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આવા ‘વિશાળ જનાદેશ’ સાથે સરકારને બદલવાનું ‘તરંગી’ હશે. જ્યારે ટોરી પાર્ટી ફક્ત ‘મુઠ્ઠીભર પોઈન્ટ’થી પાછળ છે અને આર્થિક પરિસ્થિતિ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મુશ્કેલ છે ત્યારે નવી ચૂંટણીમાં તકલીફ પડશે. મને તે દલીલોમાં સફળ નહિં થવા બદલ અફસોસ છે. ઘણા બધા વિચારો અને પ્રોજેક્ટ્સ હોવા છતાં મારા કામને સાથીઓ ન જોઈ શક્યા તે દુઃખદાયક છે.’’

તેમણે જણાવ્યું હતું કે “જેમ કે આપણે વેસ્ટમિન્સ્ટરમાં જોયું તેમ, ટોળાની વૃત્તિ શક્તિશાળી હોય છે અને જ્યારે ટોળું ફરે છે, ત્યારે તે આગળ વધે છે. અમારી તેજસ્વી ડાર્વિનિયન સિસ્ટમ અન્ય નેતા પેદા કરશે, જે આ દેશને કઠિન પરિસ્થિતિમાં આગળ લઈ જવા માટે સમાન રીતે પ્રતિબદ્ધ છે.’’

જૉન્સને ખૂબ જ ઓછી લાગણી દર્શાવી પોતાનું ભાષણ વાંચ્યું હતું જે ફક્ત છ મિનિટ સુધી ચાલ્યું હતું. જૉન્સને રાજીનામાનું ભાષણ આપ્યું ત્યારે તેની પડખે પત્ની, કેરી અને તેમનું બાળક રોમી તેમની સાથે હતા. જૉન્સને પત્ની કેરી સાયમન્ડ્સ, પોતાના બાળકો અને પરિવારના તમામ સભ્યોનો આભાર માન્યો હતો જેમણે આટલા લાંબા સમય સુધી ઘણું બધું સહન કરવું પડ્યું હતું.

ચાન્સેલર સુનકની રાજીનામા બાદ નવા વરાયેલા અને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં જૉન્સનનું સ્થાન લેવા માટે આગ્રીમ હરોળના નદિમ ઝહાવીએ પણ જૉન્સનને પદ છોડવા માટે નિંદા કરતો પત્ર લખી તેમની સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા અને ખસી જવાની માંગણી કરી હતી. નવા કેબિનેટ પદ પરથી રાજીનામું આપ્યા વગર જહાવીએ જણાવ્યું હતું કે “વડાપ્રધાન, તમે તમારા હૃદયમાં જાણો છો કે શું કરવું યોગ્ય છે, અને હવે જાઓ.”

જૉન્સનનું રાજીનામું વિપક્ષ અને તેમના પોતાના પક્ષના મોટા ભાગવના નેતાઓ દ્વારા જોરદાર રીતે આવકારવામાં આવ્યું હતું. ઘણા કન્ઝર્વેટિવ સાંસદો અને તેમના પોતાના ભૂતપૂર્વ સમર્થકો દ્વારા તેમની સત્તાને એટલી સ્પષ્ટ રીતે ઉઝરડા મારવામાં આવ્યા હોવા છતાં તેમણે નવો નેતા ન આવે ત્યાં સુધી બીજા કેટલાક મહિનાઓ સુધી પદ પર ચાલુ રાખવાની જોન્સનની યોજનાની ટીકા કરી હતી.

ભારતના ગોવામાં મૂળ ધરાવતા યુકેના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેને કેબિનેટમાંથી રાજીનામું આપ્યા વગર જૉન્સનને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું અને નેતૃત્વની ચૂંટણી માટે દાવો કરનાર પ્રથમ સાંસદ છે. આ રેસમાં જોડાનારા અન્ય લોકોમાં પૂર્વ ચાન્સેલર ઋષી સુનક, પૂર્વ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ, હાલના ચાન્સેલર ઝહાવી અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસનો સમાવેશ થાય છે. અન્ય દાવેદારો તરીકે ભારતીય મૂળના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, ટોરી સાંસદ પેની મોર્ડાઉન્ટ, ટોમ ટૂગેન્ધાટ અને ભૂતપૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હંટનું નામ ચર્ચામાં છે.

બોરિસ જૉન્સનના નવા કેબિનેટ મિનિસ્ટર્સ

  • જેમ્સ ક્લેવરલી – એજ્યુકેશન સેક્રેટરી
  • ગ્રેગ ક્લાર્ક – લેવલિંગ અપ સેક્રેટરી
  • રોબર્ટ બકલેન્ડ – વેલ્સ સેક્રેટરી તરીકે પરત
  • શૈલેષ વારા – નોર્ધન આયર્લેન્ડ સેક્રેટરી
  • કિટ માલ્ટહાઉસ – ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર
  • એન્ડ્રુ સ્ટીફન્સન – મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો
  • નદિમ ઝહાવી – ચાન્સેલર