વિશ્વના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક અને આઇકોનિક નીસડન સ્વામિનારાયણ મંદિરના સર્જક એવા પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે રવિવાર 17 જુલાઈ 2022 ના રોજ નોર્થ વેસ્ટ લંડનના અલ્પર્ટનથી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન સુધીની એક ભવ્ય શોભાયાત્રાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

પરંપરાગત રીતે ભક્તિ પરેડ તરીકે ઓળખાતી આ ‘નગર યાત્રા’એ આલ્પર્ટ ન અને વેમ્બલીની શેરીઓમાં રંગીન, આનંદદાયક પ્રસંગો સાથે દેશભરમાંથી હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને એકસાથે લાવી હતી.

શોભાયાત્રામાં આગામી ‘ફેસ્ટિવલ ઑફ ઇન્સ્પિરેશન્સ’ના વિવિધ પાસાઓનું પ્રદર્શન કરતા વિશાળ 3D સુશોભન ફ્લોટ્સ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં બાળકોની મનોરંજક શો અને ઇન્ટરેક્ટિવ રમતોથી ભરપૂર સાસંકૃતિક વન્ડરલેન્ડ ‘આઇલેન્ડ ઓફ હીરોઝ’નો પણ સમાવેશ થાય છે.

નગર યાત્રામાં ભક્તિમય સંગીતનો સમાવેશ કરાયો હતો અને વાઇબ્રન્ટ કોસ્ચ્યુમમાં સજ્જ બાળકો અને યુવાનો દ્વારા પરંપરાગત ભારતીય લોક નૃત્યો કરાયા હતા.

શોભાયાત્રાનું સમાપન નીસડન મંદિર ખાતે આવેલ ‘પ્રમુખ સ્વામી મહારાજની 27 ફૂટની મૂર્તિ’ પાસે થયું હતું. આ પ્રતિમા મંદિરના સર્જકને શ્રદ્ધાંજલિ આપવા બનાવવામાં આવી છે. અહીં, જોડાયેલા લોકોએ આરતીનો લાભ લીધો હતો અને વાતાવરણને જીવંત, ઉત્કર્ષક અને આધ્યાત્મિક બનાવ્યું હતું.

ઈવેન્ટના મુખ્ય આયોજકો પૈકીના એક પૂજા બારોટે જણાવ્યું હતું કે “આ અદ્ભુત પ્રસંગ 1995માં પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં યોજાયેલી ટ્રાફાલ્ગર સ્ક્વેરથી નીકળેલી આવી જ નગરયાત્રાની યાદ તાજી કરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજે યુ.કે.ની તેમની ઘણી મુલાકાતો દરમિયાન અને સમગ્ર વિશ્વમાં તેમની યાત્રાઓ દરમિયાન વૈશ્વિક સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું હતું અને તે સ્થાનિક સમુદાય સાથે શેર કરતા અમને આનંદ થાય છે.”