ઋષિ સુનકે આગામી બ્રિટિશ વડા પ્રધાન તરીકે ચૂંટાવાની ઝુંબેશના ભાગરૂપે બાળકો અને યુવાન સ્ત્રીઓનો શિકાર કરતી ગૃમીંગ ગેંગને ખતમ કરવાની પ્રતિજ્ઞા લઇ આવી ગેંગના આગેવાનોને આજીવન કેદની સજાને પાત્ર બનાવવાની ખાતરી આપી હતી.
રેડી4ઋષિ કેમ્પેઇન ટીમે જણાવ્યું હતું કે ‘’ગ્રૂમિંગ રિંગ્સના સભ્યોને તથા તેમને સુવિધા આપનારા લોકોને ફોજદારી આરોપોનો સામનો કરવો પડશે. મહિલાઓ પરના લક્ષિત દુર્વ્યવહારને રોકવા અને તેમની સંમતિ વિના મહિલાના ટોપની નીચેના ફોટા લેનારા લોકોને ફોજદારી ગુના હેઠળ દંડ આપશે.’’
સુનકે કહ્યું હતું કે ‘’શાળા જતી બે છોકરીઓ અનુષ્કા અને ક્રિષ્નાના પિતા તરીકે, હું ઇચ્છું છું કે યુવતીઓ કોઈ પણ પ્રકારના ભય વિના સાંજે ફરી શકે કે રાત્રે દુકાને જઈ શકે. સ્ત્રીઓ અને છોકરીઓ સામેની જાતીય હિંસા કરતા લોકો હારે નહિં ત્યાં સુધી તેને રાષ્ટ્રીય કટોકટી ગણવી જોઈએ. જ્યાં સુધી મહિલાઓ અને છોકરીઓ સુરક્ષિત અનુભવી નહિં શકે ત્યાં સુધી હું રોકાઇશ નહીં, અમે યુકેની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ના કેન્દ્રમાં કાર્યરત એક નવા ઈમરજન્સી ટાસ્કફોર્સની સ્થાપના કરીશું અને કોઈપણ નગર અથવા શહેર જ્યાં નોંધપાત્ર ગૃમીંગ ગેંગની પ્રવૃત્તિ મળી આવશે તેને જડમૂળથી દૂર કરીશું. ગુના નિવારણના હેતુઓ માટે તેમણે તેમની વંશીયતા અથવા રાષ્ટ્રીયતા પણ જાહેર કરવી પડશે.’’
સુનકે કહ્યું હતું કે ‘’ગેંગની ગુપ્ત માહિતી એકત્ર કરવા નેશનલ ગ્રુમિંગ ગેંગ્સ વ્હિસલબ્લોઅર નેટવર્ક શરૂ કરવાની તથા શંકાસ્પદો પર નજર રાખવા માટે એક સમર્પિત ડેટાબેઝ બનાવવાની યોજના ધરાવે છે. ફ્રન્ટલાઈન પોલીસની તાલીમમાં પણ વધારો કરાશે જેથી તેઓ ભોગ બનેલ યુવતીઓની ઓળખ કરી શકે. જેથી અધિકારીઓ રેસીઝમના આરોપના ડર વગર સેવા આપી શકશે. ખતરનાક ગુનેગારોનો પેરોલનો નિર્ણયો જસ્ટીસ સેક્રેટરી લેશે. સરકાર વ્યક્તિગત રીતે સમીક્ષા કરશે અને બળાત્કારના દોષિત ગેંગના સભ્યોના પેરોલ નકારવા અંગે વિચારણા કરશે. આવા પીડિતોને 2024-25 સુધીમાં દર વર્ષે £192 મિલિયનનું ભંડોળ પૂરું પાડશે.’’

            












