Tara sutaria
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડની યુવા અભિનેત્રી તારા સુતરિયા કહે છે કે તેને ગીતો ગાવાનો ખૂબ જ શોખ છે. તેને હંમેશાં ફિલ્મોમાં ગીતો ગાવાની ઇચ્છા હોય છે. તેની નવી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં તેણે અભિનયની સાથે જ ગીત પણ ગાયું છે. તે બાળપણથી જ ગીત ગાવામાં માહેર છે. ‘એક વિલન રિટર્ન્સ’માં તેણે ‘શામત’ ગીત ગાયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર, દિશા પટની અને જોન એબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. પોતાના શોખ અંગે તેણે કહ્યું કે, ‘મારી હંમેશાંથી ઇચ્છા રહી છે કે હું મારી ફિલ્મોમાં ગીત ગાઉં. મોહિત સર સાથે મારી અઢી વર્ષ અગાઉ મુલાકાત થઈ હતી. હું જાણતી હતી કે તેઓ ફિલ્મ બનાવી રહ્યા છે અને તેમણે કહ્યું હતું કે તેમને આ રોલ માટે ગાયકની જરૂર છે. ગાયકી મારા જીવનનો મહત્વનો ભાગ છે. હું અભિનેત્રી બની એ પહેલાં મેં સંગીત ક્ષેત્રે કામ કર્યું છે. મારા માટે આ સપનું પૂર્ણ થવા સમાન છે. દરેક કામ યોજના પ્રમાણે પાર પડ્યું છે. મોહિત સરે મને જ્યારે મારા માટે જ ફિલ્મમાં ગીત ગાવાનું કહ્યું તો મારી ખુશીની કોઈ સીમા નહોતી.’

‘એક વિલન રિટર્ન્સ’માં તે આરવીના રોલમાં દેખાવાની છે. પોતાના એ રોલ વિશે તારાએ કહ્યું કે ‘તેના માટે મ્યુઝિક જ સર્વસ્વ છે અને એ જ બાબત મને તેની સાથે જોડે છે. સૌથી અગત્યની વાત એ છે કે આરવી હિમ્મત નથી હારતી. એ વાત આજે કેટલાય પુરુષો અને મહિલાઓ માટે સાચી સાબિત થાય છે. અમે એવી પેઢીનાં છીએ જે હકીકતમાં માને છે.’
આ ફિલ્મમાં ફીમેલનું કેરેક્ટર ગર્લ-નેક્સ્ટ-ડોરનું નથી, તેઓ સાહસી છે એવું જણાવતાં તારાએ કહ્યું કે ‘દિશા અને મારું પાત્ર એવાં છે કે તેમને જે જોઈતું હોય એ માટે તેઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. મહિલાઓ જ્યારે સખત, સશક્ત અને ખતરનાક હોય ત્યારે તે કેવી હોય છે એને અલગ રીતે દેખાડવામાં આવ્યું છે. તેમનાં પાત્ર નેગેટિવ છે, તેઓ બિન્દાસ અને નીડર પણ છે.’